શિયાળાની સિઝનમાં વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના અને રંગના ગરમ કપડા પહેરીને શાળાએ જઇ શકશે.
વિદ્યાર્થીઓએ પહેરેલા આ પ્રકારના કોઇપણ ગરમ કપડાને માન્ય રાખવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓને સુચના આપવા જણાવવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છેકે, હાલ ગાંધીનગરમાં શિયાળો તેના અસલ રંગમાં છે. ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. વહેલી સવારે અને રાત્રે ફુલગુલાબી ઠંડી પડી રહી છે. આ સ્થિતીમાં સવારની શાળાના બાળકોની સ્થિતી દયનીય બની ગઇ છે.
બાળકો માટે ગરમ કપડા પહેરવા ફરજિયાત બની ગયુ હોય તેવી સ્થિતી છે. ત્યારે કેટલીક શાળાઓ તેઓએ નક્કી કરેલા અને ચોક્કસ પ્રકાર અને કલરના ગરમ કપડા પહેરવાની બાળકોને ફરજ પાડી રહ્યા છે. જેના કારણે વાલીઓ પર ગરમ કપડાના ખર્ચાનું ભારણ વધ્યુ છે. બીજીતરફ કમીશનનો ધંધો કરી રહેલી ગરમ કપડા વહેંચતી દુકાનો અને શાળાઓને બખ્ખા પડી ગયા છે. તેઓ દ્વારા નક્કી કરેલા ચોક્કસ પ્રકારના અને કલરના ગરમ કપડા આવકનુ સાધન બની ગયુ છે. ત્યારે શાળાઓ દ્વારા નક્કી કરાતા ચોક્કસ પ્રકારના અને કલરના ગરમ કપડામાંથી બાળકોને છોડાવવા અને વાલીઓ પરનો વધારાનો ખર્ચો ઘટાડવાના હેતુથી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સ્થાયી સુચના બહાર પાડીને વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવા જણાવી દેવામાં આવ્યુ છે.
કોઇપણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહી. ઉપરાંત ઋતુ આધારીત આ સુચનાનું કાયમી ધોરણે પાલન થાય તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, તથા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરી સુચના આપવા જણાવવામાં આવ્યુ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો