ગાંધીનગર સેક્ટર-25 સ્થિત હિલવુડ સ્કુલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને ધોરણ-2માં અભ્યાસ કરતી તેની નાની બહેનને માનસિક ટાર્ચર કરવામાં આવતા હોવાના સનસનીખેજ આક્ષેપ સાથે વાલીએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને સેક્ટર-21 પોલીસ મથકમાં અરજી આપી છે. બાળકોના વાલીનો આક્ષેપ છેકે, તેમના બાળક પ્રતિભાશાળી છે, 68 એવોર્ડ મેળવ્યા છે. સ્કુલની મંજુરી વગર સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેમની સાથે ઉપરોક્ત વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ માટે તેઓએ સ્કુલના ડ્રોઇંગ ટિચર અને પ્રિન્સીપાલ સામે આંગળી ચિંધી છે.
હિલવુડ શાળામાં અભ્યાસ કરતા બે બાળકોના વાલી હિના ચતુર્ભુજે પોલીસ મથકમાં પોતાના બંને નાબાલિક બાળકો વિરૂધ્ધ માનસિક હેરાનગતિ, શૈક્ષણિક ગેરરિતી, શૈક્ષણિક રેકોર્ડમાં સંભવિત ફેરફાર અને સંસ્થાગત પિડા અંગે પગલા લેવા માટે અરજી આપી છે. તેઓએ અરજીમાં સ્કુલના આર્ટ એન્ડ ડ્રોઇંગ ટિચર, પ્રિન્સિપાલ, પરીક્ષા વિભાગના જવાબદાર તથા શાળાના વહિવટતંત્ર સામે આંગળી ચિંધી છે. જેમાં જણાવ્યુ છેકે, માતાપિતાની ફરિયાદ બાદ તેમના બાળકો સામે પ્રતિશોધાત્મક વર્તન કરવામાં આવ્યુ છે. તેમના માનસિક હેરાનગરી કરાઇ છે. પસંદગીયુક્ત અને ભેદભાવપુર્ણ મુલ્યાંકન કરાયુ છે, શૈક્ષણિક રેકોર્ડ પુરા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક અવરોધ અને પ્રતિભાનું દમન કરવામાં આવ્યુ છે. તેમનો આઠ વર્ષનો બાળક પ્રતિભાશાળી છે. અત્યાર સુધીમાં 68 જેટલા મેડલ જિત્યો છે. નાયબ રાષ્ટ્રપતિ ઉપરાંત, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, નાયબ મુખ્યમંત્રી દ્વારા સન્માન મેળવ્યુ છે. પરંતુ સ્કુલની મંજુરી વગર સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેની સામે ઉપરોક્ત વ્યવહાર શરૂ કરાયો છે.










