મહેસાણા જિલ્લામાં વધતા ઢોર ચોરીના બનાવો સામે કાર્યવાહી હાથ ધરવાના ભાગરૂપે બાવલુ પોલીસે સફ્ળતા મેળવી છે. બાવલું પોલીસે ગણતરીના દિવસોમાં ઢોર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ચોરીમાં ગયેલું ઘેટું અને તેનું તાજું જન્મેલું બચ્ચું મળી કુલ રૂ. 10 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. મહેસાણા એસપી હિમાંશુ સોલંકી તથા કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.જી. બડવા, PSI પી.એસ. રાવળ તથા પોલીસ સ્ટાફ્ પેટ્રોલિંગમાં હતો.


દરમિયાન અગોલ ગામ નજીક ખાનગી બાતમીના આધારે પોલીસે સાલમ ઉર્ફે સલીમ સીદ્દીકભાઈ ડફેર (રહે. ભોજવા, તા. વિરમગામ, જી. અમદાવાદ)ને ઝડપી પાડયો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ચોરીમાં ગયેલું એક ઘેટું અને તેનું તાજું જન્મેલું બચ્ચું મળ્યું હતું, જેની કિંમત રૂ. 10 હજાર હોવાનું જાણવા મળ્યું છે. બાવલુ પોલીસ મથકે કડીના મણિપુર ગામની સીમમાંથી થયેલ ઘેટા બકરાઓની ચોરીના નોંધાયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં કુલ પાંચ બકરા, સાત ઘેટાં સહિત રૂ. 95 હજારના પશુઓની ચોરી થયાનું સામે આવ્યું છે. આ ગુનામાં મુતલીમભાઈ (રહે. અગોલ), સાજીદભાઈ ખોખર (રહે. અગોલ) તથા મહેમુદભાઈ હુસેનભાઈ ડફેર (રહે. ભોજવા, તા. વિરમગામ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યરત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: