મહાશિવરાત્રીની સમગ્ર જિલ્લામાં આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા. શિવભક્તોએ સવારથી જ મંદિરોમાં દર્શનાર્થે લાંબી લાઇનો લગાવી હતી. મોડીરાત સુધી મંદિરોમાં ચહલપહલ જોવા મળી હતી.
આજે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોને શણગારવામાં આવ્યા હતા. શહેરના પંચદેવ, ધોળાકુવા સહિતના મંદિરોમાં ગઇકાલ રાત્રીથી જ ચહપહલ જોવા મ ળી હતી. ઉલ્લેખનીય છેકે, મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને દેવી પાર્વતીના મિલનના સન્માનમાં ઉજવાતો એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. આ વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવ્યો છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજય અને આદ્યાત્મિક જાગૃતિનું પ્રતિક માનવામાં આવે છે. મહાશિવરાત્રી એ રાત્રિને ચિન્હીત કરે છે જ્યારે શિવે બ્રહ્માંડને બચાવવા માટે હળાહળ ઝેર પીધુ હતું. શિવરાત્રીએ ભગવાન ભોલેનાથને રીઝવવા માટે ભક્તોએ ઉપવાસ અને રાત્રિભર પુજા અર્ચન કર્યુ હતું. શિવમંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. લોકોએ શિવલીંગને પાણી, દુધ અને મધથી સ્નાન કરાવી અભિષેક કર્યો હતો. ઓમ નમઃ શિવાય અને બમ..બમ..ભોલેના નાદથી શિવમંદિરો ગુંજી ઉઠયા હતા.










