શ્રાવણ મહિનો શરૂ થતાં જ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી ઉઠી છે. પોર ગામની સીમમાં આવેલ એક ઓરડીમાં ચાલતા જુગારધામ પર એલસીબી-1ની ટીમે દરોડો પાડીને જુગાર રમી રહેલા 21 શખસોને ઝડપી લીધા હતા. આ શખસો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. ઝડપાયેલા મોટાભાગના શખસો અડાલજ અને અમદાવાદ પંથકના છે. તેઓના કબજામાંથી પોલીસે રોકડ તથા મોબાઇલ મળી કુલ રૂા. 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખસોમાં જુગારધામ ચલાવનાર શખ્સનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઓરડી ભાડે આપનાર શખસ સ્થળ પરથી મળી આવ્યો નહતો. આ મામલે પોલીસે તમામ 22 શખસો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
શ્રાવણ મહિનામાં જુગારની બદીને ડામવા માટે એલસીબી-1ના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ અડાલજ પંથકમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે હે.કો. મેઘરાજભાઇ વિરમભાઇને ખાનગી રાહે બાતમી મ ળી હતીકે, પોર ગામની સીમમાં આવેલ નરેશ અંબાલાલ પ્રજાપતિના ખેતરમાં આવેલ રઇબેન પરબતજી ભલાજી ઠાકોરની ઓરડીમાં અજય ઉર્ફે અબ્દુલ ચંદુજી ઠાકોર (રહે. પોર) બહારથી માણસો લાવીને જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો. ઓરડી પતરાની હતી. દસ બાય 18 ફુટની ઓરડીમાં બે પટમાં જુગારીઓ ગોળકુંડાળુ વાળીને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. પોલીસે કુલ 21 શખસોની ધરપકડ કરી છે. જેમાં જુગાર રમાડનાર અજય ઉર્ફે અબ્દુલ ચંદુજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે. આ શખસ બહારથી માણસો બોલાવીને બાજી દીઠ નાળ પેટે પૈસા લઇને જુગારના સાધનો સહિતની સગવડ પુરી પાડતો હતો. ઓરડી તેણે દરરોજના પાંચ હજારના ભાડા પેટે રઇબેન ઠાકોરના ભત્રીજા વિજય બળદેવ ઠાકોર પાસેથી ભાડે રાખી હોવાની પોલીસ તપાસમાં ખુલ્યુ છે. આ શખસ સ્થળ પરથી મળી આવ્યો નહતો. જેને શોધવા પોલીસે તજવીજ હાથધરી છે. સ્થળ પરથી પોલીસે 4.40 લાખ રોકડા તથા 21 મોબાઇલ સહિત રૂા. 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
