ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીની જાહેરાત થવા સાથે જ મેયર સહિત તમામ પદાધિકારીઓની ચેમ્બરો સૂમસામ બની ગઈ છે. મહાપાલિકાની બિલ્ડીંગમાં ચોથા માળે આવેલી તમામ પદાધિકારીઓની ચેમ્બર બંધ થઈ જતાં હવે અહીં અરજદારોનો મેળાવડો પણ બંધ થઈ ગયો છે. એમ કહી શકાય કે મહાપાલિકામાં સન્નાટો વ્યાપી ગયો છે.
ગઈકાલે મહાપાલિકાની ચૂંટણી જાહેર થઈ તે સાથે જ સાંજે મેયર, ડે. મેયર, સ્થાયી સમિતીના ચેરમેન સહિત તમામ પદાધિકારીઓએ પોતાની ચેમ્બર ખાલી કરી દીધી હતી. ચેમ્બરમાં પોતાની સાથે લઈ શકાય તે તમામ ચીજવસ્તુઓ અલગ કરાવી દીધી હતી. મેયરે પોતાની ચેમ્બર બિલકુલ ખાલી કરી દીધી હોવાની વિગતો છે. તેમણે ગઈકાલે જ પોતાનો માલસામાન હટાવી દીધો હતો. જ્યારે સ્થાયી સમિતી ચેરમેન એકાદ-બે દિવસમાં પોતાની ચેમ્બરમાંથી ચીજવસ્તુઓને લઈ જશે તેવી વિગતો છે. ગઈકાલે તેઓ વાજતે-ગાજતે પોતાના ચેરમેનના પદ પરથી ઉતરી કોર્પોરેશનને છોડીને નિકળ્યા હતા. રોજિંદા દિવસોમાં ચોથા માળે મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને દંડક તથા પક્ષના નેતાની ચેમ્બર બહાર અરજદારો અને કાર્યકરોની ચહલપહલ રહેતી હતી, તે આજે સંપૂર્ણપણે ખાલીપો જોવા મળે છે. પાર્કિંગ તથા બહારના વિસ્તારમાંથી પણ મુલાકાતીઓથી લઈ પાર્ટીના કાર્યકરોની ગાડીઓનો ખડકલો ગાયબ થઈ ગયો છે. અત્યારે કોર્પોરેશનમાં આગામી 16 ઓક્ટોબર સુધી અધિકારી રાજ જોવા મળશે.
