ગુજરાત રાજ્ય માટે ડિસેમ્બર 2025નો મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહ્યો છે. રાજ્યના જીએસટી (GST) અને અન્ય વેરાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ અને અસરકારક કર વસૂલાત તંત્રનો પુરાવો આપે છે.

ડિસેમ્બર-2025માં 6,351 કરોડ GST આવક

ગુજરાત સરકારને થયેલી GST આવકના આંકડાઓ અનુસાર, ડિસેમ્બર-2025માં રાજ્યની GST આવક 6351 કરોડ રૂપિયા નોંધાઈ છે. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં આ આવક 5651 કરોડ રૂપિયા હતી, જેની સરખામણીએ આ વર્ષે 12.37%નો વધારો થયો છે. નોંધનીય બાબત એ છે કે ડિસેમ્બર 2025 માં રાષ્ટ્રીય સ્તરે GST ગ્રોથ માત્ર 6.1% રહ્યો હતો, જેની સામે ગુજરાતનો 12.37 %નો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશ કરતા લગભગ બમણો રહ્યો છે.

જીએસટી સિવાય અન્ય વેરાઓએ પણ મહત્વનો ફાળો આપ્યો

વિવિધ કરવેરા દ્વારા થતી આવક રાજ્યની કુલ કર આવકમાં માત્ર GST જ નહીં, પરંતુ અન્ય વેરાઓએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. મુખ્યત્વે પેટ્રોલિયમ પેદાશો પર વસૂલાતા વેટ હેઠળ 2711 કરોડની આવક થઈ છે. વીજ વપરાશ પરના ટેક્સ દ્વારા રાજ્યને 976 કરોડ રૂપિયા મળ્યા છે.વ્યવસાય વેરા દ્વારા નોકરીયાત અને વ્યાવસાયિકો પાસેથી 67 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ તમામ સ્ત્રોતો જેમ કે GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરો મળીને રાજ્યની તિજોરીમાં કુલ 10,104 કરોડ રૂપિયા જમા થયા છે.

મોબાઇલ સ્ક્વોડ દ્વારા 32.61 કરોડની આવક

મોબાઇલ સ્ક્વોડની કડક કામગીરી કરચોરી અટકાવવા માટે સક્રિય બનેલી મોબાઇલ સ્ક્વોડની કામગીરીમાં પણ મોટી સફળતા મળી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા ડિસેમ્બર-૨૦૨૫માં 32.61 કરોડ રૂપિયાની આવક થઈ છે. ગત વર્ષે એટલે કે ડિસેમ્બર-2024 આ આંકડો 25.42નો હતો, એટલે કે આ ક્ષેત્રમાં પણ 28.3 ટકાનો ધરખમ વધારો નોંધાવા પામ્યો છે.


  • Follow us on: