રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે રવિવારે યોજાનારા મતદાન માટે 50 હજારથી વધુ બૂથ પર તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં પ્રથમવાર 393 જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કાળઝાળ ગરમીમાં મતદાન યોજાઈ રહ્યું છે. આથી આયોગે મતદાન મથકો પર ઠંડક માટે સામિયાણા અને પાણીની વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. જોકે, રાજકીય પક્ષોના વ્યૂહરચનાકારો તેમજ ચૂંટણી લડતા ઉમેદવારો માટે રવિવારે 44 ડિગ્રી આસપાસના તાપમાન વચ્ચે મતદારોને ઘરની બહાર લાવી બૂથ સુધી પહોંચાડવા અઘરા જણાઈ રહ્યા છે.


સામાન્ય રીતે ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બર કે ફેબ્રુઆરી જેવા શિયાળાના મહિનાઓમાં જ ચૂંટણીઓ યોજાતી રહી છે અને તે સમયે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્યારેય 46.08 ટકાથી વધુ મતદાન થયું નથી. આથી આ ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચેની આંતરિક સ્પર્ધા કરતાં તાપમાનનો પારો અને મતદાનની ટકાવારી વચ્ચે વધુ હરિફઈ જોવા મળે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીની જાહેરાત અને કાર્યક્રમ અત્યંત ઝડપી અને માત્ર 21 દિવસનો હોવાથી સ્થાનિક મતદારોમાં પહેલેથી જ નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં મતદારોને પૂરતો પરિચય પણ આપી શક્યા નથી. તેવામાં શહેરી સંસ્થાઓના વોર્ડમાં પેનલ પૈકીના એક કે બે ઉમેદવાર બિનહરીફ્ થયા બાદ બાકી રહેલા ઉમેદવારોએ એકલા જ પ્રચાર કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં રવિવારના મતદાનની પેટર્નને આધારે જ ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થશે. અહીં એ નોંધવું જરૂરી છે કે, વર્ષ 2021માં જ્યારે કોરોના મહામારીના પ્રભાવ હેઠળ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે નગરપાલિકાઓમાં 59 ટકાથી વધુ મતદાન થયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: