ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોની વિવિધ ભરતીના ઉમેદવારોએ ધામા નાખતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. આજે પોલીસે ટાટ-એચએસના 35 જેટલા ઉમેદવારોની અટકાયત કરી હતી. તેઓએ ગઇકાલે મોટીસંખ્યામાં એકઠા થઇને શિક્ષણમંત્રીને મળવાનો પ્રયાસ કર્યો હતો. બીજીતરફ ટેટ-1ના ઉમેદવારોએ પણ આજથી નિમણૂંક મુદ્દે આંદોલનના શ્રીગણેશ કર્યા છે. દિવાળી પુર્વે ટાટ-એચએસના ઉમેદવારોએ પરીણામના પુનઃ મુલ્યાંકનની માંગ સાથે રાજ્ય ભરતી બોર્ડ સમક્ષ આંદોલનની રણશીંગુ ફુંક્યુ હતું અને આ મામલે આવેદનપત્ર આપ્યુ હતું. આ પરીક્ષામાં 47 હજાર ઉમેદવારો પૈકી 30 હજાર જેટલા ઉમેદવારો ઉત્તિર્ણ થયા નહતા. ઉમેદવારોનો આરોપ છેકે, જે ઉમેદવારો વિષય નિષ્ણાંત છે, પીએચડી થયેલા છે, 15 વર્ષથી પણ વધુનો અનુભવ છે, તેઓને પરિક્ષામાં ઓછા ગુણ મળ્યા છે. જ્યારે કોચિંગ ક્લાસ વાળા અને ફ્રેસ ઉમેદવારોને ઉંચા ગુણ મળ્યા છે. આ ઉમેદવારોએ આન્સરસીટ જાહેર કરવાની પણ માંગ કરી છે. દરમિયાન ગઇકાલે આ ઉમેદવારો પુનઃ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટયા હતા. તેઓએ શિક્ષણમંત્રીને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેમને સફળતા મળી નહતી. બીજીતરફ આજે સત્યાગ્રહ છાવણી ખાતેથી આ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. કુલ 35 જેટલા ઉમેદવારોને ડિટેઇન કરાયા હતા. જ્યારે ચિત્રકળા અને વ્યાયામ શિક્ષકો પણ કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં પડાવ નાખ્યો છે. આ ઉપરાંત આજે ટેટ-1ન ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી ખાતેથી આંદોલનના શ્રીગણેશ કર્યા છે. 774 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઇ ગયા હોવા છતા નિમણૂંક નહી મળતા તેઓ આ મુદ્દે લડી લેવાના મુડ સાથે ગાંધીનગર આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો