ગાંધીનગરની ઓળખ સમાન ચ રોડની આગામી દિવસોમાં કાયાપલટ થશે. 49.59 કરોડના ખર્ચે આ રોડને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેને લીલીઝંડી આપી દીધી છે. જેના પરિણામે આ રોડ રાજ્યના પાટનગરની નવી ઓળખ બનશે. લોકોની સુવિધામાં વધારો થશે. આ નિર્ણયનો ધારાસભ્ય રીટાબેન પટેલ અને ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ આવકાર્યો છે.
ગાંધીનગર રાજ્યની રાજધાની હોવાથી અહિ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરના કાર્યક્રમો યોજાતા રહે છે. આ ઉપરાંત આ રોડ પર વિધાનસભા, સચિવાલય જેવા મહત્વના સ્થળો પણ આવેલા છે. દિનપ્રતિદિન ગાંધીનગરનો વિકાસ થતો રહે છે. ભવિષ્યમાં પણ વિવિધ કાર્યક્રમો અને વૈશ્વિક સ્તરની પ્રવૃત્તિઓનું મોટાપાયે આયોજનો થશે. જેના કારણે ગાંધીનગરને વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવુ જરૂરી છે. આ માટે તાજેતરમાં ધારાસભ્ય રીટાબેન પટેલે ચ રોડને વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનાવવા માંગણી કરી હતી. જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપીને ચ રોડને 49.59 કરોડના ખર્ચે મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાની મંજુરી આપી છે.










