ઓછા વેતનમાં કામ કરતા જ્ઞાન સહાયકોએ આજે ગાંધીનગર આવીને પોતાની માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપ્યુ હતું. જ્ઞાન સહાયકો સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યા છે. તેઓની વેદના છેકે, તેઓને ઓછા પગારમાં દાડિયાની જેમ કામ કરાવાય છે. તેઓને પણ અગ્નિવિરોની જેમ કાયમી કરવાની ખાતરી આપવામાં આવે તેવી માંગ કરી છે. 

સમગ્ર ગુજરાતના જ્ઞાન સહાયકો વતી મુખ્યમંત્રી , શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, પ્રદ્યુમન વાજાને રજુઆત કરવા માટે જ્ઞાન સહાયકોનું એક પ્રતિનિધી મંડળ આજે ગાંધીનગર આવ્યુ હતું. તેઓએ વેદના ઠાલવી હતીકે, જ્ઞાન સહાયક યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે શોષણ થઇ રહ્યુ છે. વૈકલ્પિક વ્યવસ્થાના નામે તેમને ઓછા પગારમાં દાડિયાની જેમ કામ કરાવાય છે. જ્ઞાન સહાયક શિક્ષકો કાયમી શિક્ષકની જેમજ શાળાની તમામ કામગીરી કરી રહ્યા છે. તેઓએ સમાન કામ સમાન વેતનની માંગ કરી છે. સાથેસાથે તાજેતરમાં અગ્નિવિરોની માફક તેમને પણ કાયમીમાં સમાવેશ કરવા માટે નવી પોલીસી બનાવવાની પણ માંગ કરાઇ છે. તેઓએ સેવા સુરક્ષા આપવા, વેકેશનમાં પણ પેપર તપાસવા લઇ તમામ પ્રકારની કામગીરી કરતા હોય વેકેશનનો પગાર આપવા માંગ કરી છે. આ ઉપરાંત પ્રાઇવેટ શાળામાં જો અનુભવ ગણાતો હોય તો તેમને પણ અનુભવ ગણવા માટે માંગ કરવામાં આવી છે.