કોલવડા ખાતેના ઐતિહાસિક તળાવની આસપાસના વિસ્તારમાંથી ઉગી નીકળેલી જંગલી વનસ્પતિઓને દૂર કરી મહાપાલિકા દ્વારા તેનું પુનઃનવીનીકરણ કરવામાં આવ્યું છે. આ તળાવને વૈજ્ઞાનિક પદ્ધતિથી પુનર્જીવિત કરવાથી સ્થાનિક જળસ્તર ઉંચા આવવાની સાથે જૈવવિવિધતામાં પણ વધારો શક્ય બન્યો છે. અગાઉ આ તળાવ જંગલી ઝાડી-ઝાંખરા તથા માટીના ધોવાણ અને કચરાની ગંદકીના કારણે અત્યંત બિસ્માર હાલતમાં હતું. અત્યારે આ વિસ્તારના રહીશો અને વિવિધ પક્ષીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. ગાંધીનગરના સ્થાનિક અને વિદેશી પક્ષીઓના કારણે લોકોમાં મીની નળસરોવર તરીકે ઓળખ પામ્યું છે.


એકસમયે કોલવડા તળાવ ગંદા પાણીના ખાબોચિયાં જેવું દેખાતું હતું. જંગલી ઝાડી વિસ્તારને જોઈ કોઈ કહી ના શકે કે આ તળાવ છે. વર્ષો સુધી આ કુદરતી તળાવની દરકાર લેવામાં આવી નહતી. કોર્પોરેશન દ્વારા તળાવોનો સર્વે કરવામાં આવ્યો ત્યારે ખાડા-ખાબચિયા જેવી જગ્યા મળી આવી હતી. મહાપાલિકા દ્વારા એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી કોલવડા ઈન્દિરાનગર આવાસ પાસે આવેલા આ ઐતિહાસિક તળાવના પુનઃનવીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. અંદાજે 5.42 એકર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને વૈજ્ઞાનિક પદ્ધતિથી પુનર્જીવિત કરવામાં આવ્યું છે. અંદાજે બે ટનથી વધુ બિનજરૂરી કચરો અને નુકસાનકારક જંગલી વનસ્પતિઓ દૂર કરી સફાઈ કરવામાં આવી, અને ત્યારબાદ આ તળાવને ઉંડુ કરવામાં આવ્યું તથા આજુબાજુના વિસ્તારને પણ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. તળાવની પેરીફેરીમાં મજબૂત ફેન્સિંગ કરી કુદરતી સંપદાને સુરક્ષિત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: