ગાંધીનગર મહાપાલિકાની આવતીકાલ સોમવારે મળનારી સ્થાયી સમિતીની બેઠકમાં અંદાજે 146 કરોડ ઉપરાંત વિકાસ કામોની દરખાસ્તો પર નિર્ણય કરવામાં આવશે.
જેમાં ગટર-પાણી-રસ્તા-બ્યુટીફિકેશન સહિતની બાબતોને સમાવેશ થાય છે. ખાસ કરીને નવા વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. આવતીકાલની સ્થાયી સમીતીની બેઠકમાં કેટલીક મહત્વની દરખાસ્તો પર ચર્ચાના અંતે નિર્ણય લેવાશે. જેમાં નવા વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવાની જવાબદારી મહાપાલિકા નિભાવી રહી છે.
સોમવારે જે સ્થાયી સમિતી મળનારી છે તેમાં પણ ટીપી-28 અને 29માં ડ્રેનેજ લાઈન નેટવર્ક ઉભું કરવા ઉપરાંત પેથાપુરમાં અંદાજે 14 કરોડથી વધુના ખર્ચે યોગા અને સ્પોર્ટસ સેન્ટર તથા 11.89 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાના ટેન્ડરને મંજુરી આપવા પર ચર્ચા કરાશે. ઉપરાંત કુડાસણ, ધોળાકૂવા, કોબા, અને રાયસણ, રાંદેસણ વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઈન અને સરગાસણ, વાવોલ, કોલવડા સહિતના વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થાના મેઈન્ટેનન્સ માટે 60 કરોડથી વધુના કામો સ્થાયીમાં રજુ કરવામાં આવ્યા છે. રાયસણ વિલેજ પ્લાઝાના વિકાસ માટે 7.02 કરોડનું ટેન્ડર તથા શહેરના બ્રીજ પર આર્ટ પેઈન્ટીંગ માટે વધારાના એકાદ કરોડની મંજુરી માંગવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો