ગાંધીનગરનું યુવાધન નવા વર્ષને ઉજવવા માટે થનગની રહ્યુ છે. વર્ષ 2026ને આવકારવા માટે અત્યારથી જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફાર્મ હાઉસ, હોટલો થર્ટી ફસ્ટની પાર્ટી માટે બુક કરી દેવાઇ છે. ઠેરઠેર નવા વર્ષની ઉજવણીના આયોજનો હાથધરવામાં આવ્યા છે. આ સ્થિતી વચ્ચે પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે.


આજે પોલીસે પીધેલાઓને પકડવા માટે રીતસરની ઝુંબેશ ચલાવી હોય તેમ માત્ર ગાંધીનગરમાંથી જ ત્રણથી ચાર વ્યક્તિઓને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છેકે, ગાંધીનગર પોલીસ થર્ટી ફસ્ટને લઇને સાબદી બની છે. પીધેલાઓને પકડવા અને થર્ટી ફસ્ટની ઉજવણી દરમિયાન અન્ય કોઇ અનિચ્છનીય ઘટના ન બ ને તે માટે અસામાજીક તત્વોને કાબુમાં લેવા માટે પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. બ્રેથલાઇઝર અને નાર્કોકિટ્સ સાથે પોલીસ જવાનોને વિવિધ સ્થળે ફરજ સોંપવામાં આવી છે. વાહન ચેકિંગ પણ સધન બનાવવામાં આવ્યુ છે. આ સ્થિતી વચ્ચે યુવાધન પણ થર્ટી ફસ્ટની ઉજવણી માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યુ છે. મિત્રો અને સગાસબંધીઓ સાથે થર્ટી ફસ્ટની ઉજવણી કરવા માટે ફાર્મ હાઉસ અને હોટલો સહિતની જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. બુધવાર વર્ષ 2025નો છેલ્લો દિવસ છે. વર્ષ 2025ના છેલ્લા દિવસને વિદાય અને વર્ષ 2026ના નવા વર્ષને વધાવવા માટે યુવાધન થનગની રહ્યુ છે.

દહેગામ પોલીસ એલર્ટ : ફાર્મહાઉસો ઉપર ચાંપતી નજર

દહેગામમાં થર્ટીફર્સ્ટને લઇને પોલીસ ચોકન્ની બની છે અને થર્ટી ફસ્ટમાં દારુ પીને છાકટા બનવાની તૈયારી કરતાં ઇસમો સામે લાલઆંખ કરવામાં આવી છે. પોલીસે આજથી જ કડક ચેકિંગ આરંભી દીધું છે, જે આવતીકાલે આખો દિવસ અને રાત્રી ભર ચાલુ રહેશે. દહેગામ શહેર તાલુકાના જુદા-જુદા પોઈન્ટો ઉપર બ્રેથએનાલાઇઝર સાથે સજ્જ પોલીસ ટીમો ગોઠવી દેવાઈ છે. જેમાં આજે દારુ પીધેલા દશેક લોકો ઝડપાયા હતા જેમની સામે પ્રોહીબીશન મુજબ ગુના નોંધવામાં આવ્યા છે. દહેગામ શહેર તથા તાલુકામાં આવેલા મોટા ભાગના ફાર્મહાઉસો ઉપર પોલીસની બાજ નજર અને તપાસ રહેશે. ખાસ કરીને ગ્રામ્યવિસ્તા રોમાં આવેલા ફાર્મહાઉસોમાં ચાંપતી નજર રાખવાનું આયોજન કરી લેવાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: