ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે પેથાપુરના ટ્રાન્સપોર્ટર સાથે 15.95 લાખની છેતરપિંડી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આ ટ્રાન્સપોર્ટરે અજાણ્યા સાયબર ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પેથાપુરમાં રહેતા શહજાદ અહમદ અન્સારીએ તા. 13 ફેબ્રુઆરીના રોજ તેના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ ઇશા ગુપ્તા તરીકે આપી હતી શહજાદને ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં રસ દાખવતા તેણે પૈસાનું રોકાણ કરવાની સહમતી આપી હતી. આથી તેને બલબીરસિંગ ગીલ નામની વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. જેમાં રજીસ્ટ્રેશન કરવાનું કહેતા શહજાદ અન્સારીએ લીંક ઓપન કરીને રજીસ્ટ્રેશન કરાવી પોતાનું આઇડી બનાવ્યુ હતું. બલબીરે મોકલેલા બેંક એકાઉન્ટમાં પ્રારંભમાં ચાર ટ્રાન્જેક્શન મારફત સાડા છ લાખ જમા કરાવ્યા હતા. આમ 31 માર્ચથી 15 એપ્રિલ 2025 સુધીમાં બલબીરે મોકલેલા બેંક એકાઉન્ટોમાં શહજાદે અલગ અલગ ટ્રાન્જેક્શન મારફત કુલ 15.95 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ શહજાદે ટ્રેડિંગ શરૂ કર્યુ હતું. જેમાં થતા નફામાંથી બલબીર 30 ટકા નફો શેરીંગ તરીકે બાયનાન્સ પ્લેટફોર્મ મારફતે મેળવી લેતો હતો. દરમિયાન પોતાના એકાઉન્ટમાં 64 હજાર યુએસ ડોલરનું બેલેન્સ બતાવતુ હતું. જ્યારે તેનું રોકાણ 16 લાખ જેટલુ હતું. પ્રોફિટ ઉપાડવા માટે એક વખત પ્રયાસ કર્યો હતો પરંતુ પૈસા વિડ્રો થયા નહતા. આથી તેણે બલબીરનો સંપર્ક સાંધતા તેણે કસ્ટમર કેરનો નંબર આપ્યો હતો. જ્યાંથી પણ તેને સ્કોર ઓછો હોય વધુ 15 હજાર ડોલર જમા કરાવવા જણાવ્યુ હતું. જોકે, આ પૈસા જમા કરાવ્યા નહતા. તેણે વિડ્રો કરવાનો કરેલો વધુ એક પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.










