ગિયોડમાં ગંદકી અને રોડ પર ઠેરઠેર પાણીના ભરાવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગામમાં દુર્ગંધયુક્ત પાણી સપ્લાય થતુ હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ મામલે ગ્રામજન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયુ છેકે, ગામમાં વરાસદી પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા નથી. ગંદકીના કારણે સ્થિતી ગંભીર બનતી જાય છે. ગામના રહિશો હાલ નરક જેવી સ્થિતીમાં જીવવા મજબુર બન્યા છે. ગામમાં વરસાદી પાણીના નિકાલની આધુનિક વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ ગામના મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઇ જાય છે. ભાથીદાદા મંદિરથી ખડકી સુધીનો વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ગંદુ પાણી ભરાઇ રહે છે.
આ પાણીમાં ઘરોમાંથી નિકળતુ ગંદુપાણી પણ ભળે છે. જેના કારણે માર્ગો પર કાદવ કીચડ અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલુ છે. આ રસ્તાઓ પરથી શાળાએ જતા બાળકોથી લઇને વૃધ્ધોને પસાર થવુ દુષ્કર બની ગયુ છે. બાળકોના ગણવેશ કાદવથી ખરાબ થઇ જાય છે. લાંબા સમયથી ભરાઇ રહેલા સ્થિર પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત છે. આ મામલે સ્થાનિક સ્તરે અનેક વખત મૌખિક રજુઆતો કરી છે. પરંતું પરિણામ મળ્યુ નથી. તંત્રની ઉદાસીનતાને કારણે જ આજે ગામની સ્થિતી વણસી છે. ગ્રામજનોએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઇ સ્થળ તપાસની માંગ કરી છે.
