ઉલ્લેખનીય છેકે, ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની કિંમતી જમીન સંપાદન થવા જઇ રહી છે. જેના પરિણામે ખેડૂતોમાં આ અંગે ભારોભાર રોષ છે. અગાઉ પણ આ મુદ્દે આંદોલનો થઇ ચુક્યા છે. સરકારે સંપાદીત થતી જમીન મામલે યોગ્ય વળતરની પણ ખાતરી આપી હતી. જોકે,ખેડૂતોને વળતર ઉપરાંત અન્ય પણ કેટલાક પ્રશ્નો છે. જેનો હજુસુધી કોઇ ઉકેલ આવ્યો નથી. બીજીતરફ ખેડૂતોની લડત સમિતીએ જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહી થાય ત્યાં સુધી કોઇપણ હિસાબે જમીન સંપાદન કરવા નહી દેવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો શાંત રહ્યો હતો. પરંતુ આજરોજ માણસા તાલુકાના ખાટાઆંબા ગામે આ પ્રોજેકટ અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણી માટે પહોંચતા મામલો વધુ એક વખત ગરમાયો હતો. અધિકારીઓ સાથે એક પીઆઇ અને આઠથી દસ જેટલા પોલીસ કર્મચારીઓનો સ્ટાફ હતો. આ ટીમ દ્વારા ખાટા આંબા ગામમાં ખેડૂતોને જાણ કર્યા વગર જમીન માપણી શરૂ કરવામાં આવી હતી. જેની જાણ થતા જ મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર ઉમટી પડયા હતા. તેઓએ અધિકારીઓને જમીન માપણી કરતા અટકાવ્યા હતા. ખેડૂતોનો આરોપ છેકે, જમીન માપણી પરમિશન વગર આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જ્યારે તેમના પ્રશ્નો અને માંગીણીઓનો હજુસુધી કોઇ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ અધિકારીઓ પાસે જમીન માપણી સબંધી પરમિશન અંગેના ઓર્ડર પણ માંગ્યા હતા પરંતુ અધિકારીઓ આ ઓર્ડર આપવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે એક સમયે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચેલી પોલીસને પણ પાછી પાની કરવી પડે તેવી સ્થિતીનું નિર્માણ થયુ હતું.
