પાણીજન્ય રોગચાળામાં પણ ખાસ કરીને ટાઈફોઈડના કેસો ફાટી નીકળ્યા બાદ ગાંધીનગર કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. જાહેર સ્વાસ્થયના હિતમાં કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરમાં પાણીપૂરી, ઠંડા પીણાંની એકસોથી પણ વધુ લારીઓ બંધ કરાવવામાં આવી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. ખૂલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.જોકે આને ઘોડા દોડી ગયા બાદ તબેલાને તાળું માર્યા જેવો ઘાટ કહી શકાય.


કોર્પોરેશન દ્વારા આગામી સૂચના ના મળે ત્યાંસુધી પાણીપૂરી, બરફ ગોળા અને સોડા જેવી ચીજવસ્તુઓ વેચતા એકમોને બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. શહેરમાં ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ કોર્પોરેશને પોતાની આંખ પરથી પટ્ટી ઉતારી છે.

આજે કોર્પોરેશનની ફૂડ સેફ્ટી અને એસ્ટેટ શાખાની ટીમો સંયુક્ત રીતે ત્રાટકી હતી અને એકસોથી વધુ લારીઓ અને ફૂડ સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભી રહેતી 75 જેટલી પાણીપૂરી અને રગડાની લારીઓ, 12 સોડા સેન્ટર, 8 પ્રેમ મેવાડ ફ્રુટ સલાડ અને બદામ શેકના સ્ટોલ તથા છ બરફ ગોળાની લારીઓનો સમાવેશ થાય છે. શહેરમાં પાણીપૂરી, બરફગોળા વેચતી લારીઓ સંખ્યાબંધ છે. કોર્પોરેશનની ટીમો સેક્ટર-2, 3, 6, 7, 8, 11, 13, ઘ-5 સર્કલ, સેક્ટર-21, 22, 24, અક્ષરધામ વિસ્તાર, ડી-માર્ટ વિસ્તાર, સે-25, 28 ગાર્ડન વિસ્તાર ઉપરાંત સેક્ટર-26, 27, પેથાપુર તેમજ ધોળાકુવા વિસ્તારમાં ફરી વળી હતી.

 ઘ-4થી મહાત્મા મંદિર તરફ જઈએ તો આ વિસ્તાર ચોપાટી જેવો લાગે છે. કુડાસણમાં ઠેરઠેર લારીઓનો જમાવડો રહે છે. ગાંધીનગર શહેરમાં ખાદ્યચીજવસ્તુઓની લારીઓ પર ક્યારે આકસ્મિક ચેકીંગ કરવામાં આવે છે તે પણ એક સવાલ છે. આજે જે કાર્યવાહી કરાઈ તે રેન્ડમલી થવી જોઈએ, જે નથી થઈ રહી. સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં મોટી સંખ્યામાં ખાણીપીણીની લારીઓ આવેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: