ગટર- પાણીની લાઈનો જે નવી નાંખવામાં આવી છે તેની ગુણવત્તા સામે પહેલેથી સવાલો ઉઠી રહ્યા છે. પાટનગર ગાંધીનગરને રોગચાળાના ખપ્પરમાં ધકેલનાર પાણી પુરવઠા બોર્ડ અને પાટનગર યોજના વિભાગ બંનેના કાન કોણ પકડશે.
કારણકે શહેરમાં વગર ચોમાસે ટાઈફોઈડ ફાટી નીકળ્યો એ મહેરબાની આ બંને વિભાગોની છે તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્માર્ટ સિટી ગાંધીનગરમાં લોકોના નળમાંથી શુધ્ધ નહિ પણ દુષિત પાણી આવતું થયું છે. ગટર-પાણીનું સુદ્દઢીકરણ કરવામાં શહેરના નાગરિકોનું આરોગ્ય ખતરામાં મુકાઈ ગયું છે. શહેરની હાલની સ્થિતી જોઈને અંદરખાને આ બંને વિભાગો કદાચ પોતાના સુધી રેલો ના આવે એ માટે ભગવાનને ભજતા થઈ ગયા હશે.
હકીકત તો એ છે કે, સ્માર્ટ સિટી ગાંધીનગરમાં ગટર-પાણીના જે કામો થયા છે, તે લેભાગુ છે. ગુણવત્તા ભરોસાપાત્ર નથી. પાણીના જોડાણોવાળી લાઈન બિલકુલ ઉપરછલ્લી જ નાંખવામાં આવી છે. પાણી-ગટરના કામોમાં ક્યાંય કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝર હાજર નથી રહ્યા તેવો આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. પાટનગર યોજના અને પાણી પૂરવઠા બોર્ડ આ બંને વિભાગોએ જે કંઈ કૂટયું, હવે ભોગાવવાનું નાગરિકોએ આવ્યું છે. આ બંને વિભાગોએ ક્યારેય પોતે રોકેલી એજન્સીઓનો કાટલો પકડયો નથી. ક્યારેય કામનું મોનિટરીંગ કર્યું નથી. એજન્સી માથે ચડેલી હતી. કોન્ટ્રાક્ટર કોઈને ગાંઠતા ન હોવાની વ્યાપક ફરિયાદો હતી. ટાઈફોઈડના કેસોને લઈ સરકારને પણ પેટમાં ફાળ પડી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો