ગાંધીનગર જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં આજે 27 કરોડથી વધુના વિકાસના કામોને બહાલી અપાઈ હતી. જેમાં કલોલ અને માણસા તાલુકામાં 22 કરોડના ખર્ચે 28 જેટલા તળાવોના આંતરિક જોડાણની કામગીરીને વહીવટી મંજૂરી અપાઈ હતી. આ સાથે 16મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 4.72 કરોડના 120 જેટલા વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત પહેલાં વિકાસના કામોને બહાલી આપવા ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી, જેને પગલે તેમાં સભ્યો દ્વારા કોઈ પ્રશ્નોની રજૂઆત થઈ શકી ન હતી. જેની અસરથી સામાન્ય સભા 10 મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. 16 મા નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામોમાં પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઈટ, શેડ સહિતના 120 જેટલા કામોનું આયોજન કરાયું છે. સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ દ્વારા જિલ્લા પંચાયતના ડેડ સ્ટોકને તપાસી ભંગારનો તાત્કાલિક નિકાલ કરીને રકમ સ્વભંડોળમાં જમા કરવવા મુદ્દો રજૂ કર્યો હતો. સામાન્ય સભામાં કલોલ અને માણસા વિસ્તારમાં આવેલા 28 જેટલા તળાવોને જોડવાની કામગીરીને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કલોલ તાલુકામાં પાનસરમાં બે, સાંતેજથી વડસર, હાજીપુરમાં બે તળાવ, હિંમતપુરા(વેડા)માં બે તળાવ, પલીયડ અને જાસપુરમાં ત્રણ-ત્રણ તળાવનું આંતરિક જોડાણ કરાશે. આ તરફ માણસા તાલુકામાં પારસામાં ત્રણ,ખડાતમાં ત્રણ ખાટાઆંબામાં ત્રણ તથા પુંધરામાં છ જેટલા તળાવોનું આંતરિક જોડાણ કરાશે. વિકાસના કામોની બહાલી વચ્ચે જિલ્લા પંચાયત હસ્તકના વિકાસના કામોમાં ગુણવત્તા જળવાતી નહીં હોવાની રાવ સભામાં ઉઠી હતી.
