ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ રાજ્યભરમાં લોકપ્રિય બની રહી છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી કરતા મુસાફરોને કોઈ પણ સમસ્યા હોય, તો તેમણે ફરિયાદ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી; બસમાં લગાવેલા QR કોડને સ્કેન કરીને મુસાફરો સીધો જ પ્રતિભાવ આપી શકશે.

એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાનો પ્રતિભાવ આપ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સિસ્ટમની સફળતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, માર્ચ 2026માં શરૂ થયેલી આ સિસ્ટમમાં માત્ર એક જ મહિનામાં 1,702 મુસાફરોએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. આશ્ચર્યજનક રીતે, મુસાફરોએ GSRTCની સેવાઓને 5 માંથી 4.5 નું મજબૂત રેટિંગ આપ્યું છે, જે દર્શાવે છે કે જનતાનો એસ.ટી. બસ પરનો વિશ્વાસ આજે પણ અકબંધ છે.

સમસ્યાનો તાત્કાલિક નિકાલ

આ સિસ્ટમ કેટલી કારગર છે તેનો પુરાવો તાજેતરમાં જોવા મળ્યો હતો. એસી અને વોલ્વો બસોમાં મુસાફરોએ આ સિસ્ટમ દ્વારા દુર્ગંધની ફરિયાદ કરી હતી. તંત્રએ તાત્કાલિક એક્શન મોડમાં આવીને રાજ્યભરની તમામ એસી-વોલ્વો બસોમાં એર ફ્રેશર લગાવવાની સૂચના આપી સમસ્યાનો ઉકેલ લાવ્યો હતો. માર્ચ મહિનાના અહેવાલ મુજબ, મુસાફરોએ બસમાં સલામતીને 4.7, સ્ટાફના વર્તનને 4.6 અને સ્વચ્છતાને 4.5 રેટિંગ આપ્યું છે.

 રાજ્યના 400 થી વધુ બસ ડેપો પર પણ સ્વચ્છતા માટે વિશેષ QR કોડ

હવે નિગમ દ્વારા આગામી સમયમાં રાજ્યના 400 થી વધુ બસ ડેપો પર પણ સ્વચ્છતા માટે વિશેષ QR કોડ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દરરોજ 8,000 થી વધુ બસો દ્વારા 27 લાખ મુસાફરો પ્રવાસ કરે છે, જેને આગામી સમયમાં 30 લાખ સુધી લઈ જવાનું લક્ષ્ય છે.

સ્ટાફના વર્તનને વધુ પ્રશંસા મળી

મુસાફરોનાં પ્રતિભાવોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, મોટા ભાગના મુસાફરોએ GSRTC સેવાઓને 5-સ્ટાર રેટિંગ આપ્યું છે, જેમાં ખાસ કરીને સ્ટાફના વર્તનને વધુ પ્રશંસા મળી છે. આ નવીન પહેલને મુસાફરોનું જરબદસ્ત સમર્થન મળ્યું છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં 372 મુસાફરોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ આંકડાઓ મુસાફરોની વધતી જતી ભાગીદારી દર્શાવે છે. માર્ચ મહિનામાં આ નવી સિસ્ટમ દ્વારા કૂલ 1,702 મુસાફરોએ પ્રતિભાવો આપ્યા હતા. મુસાફરોએ એસ.ટી બસોની સલામતી અને તેના દ્વારા પુરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તા માટે મજબૂત પ્રતિષ્ઠાને જાળવા રાખી છે.

માર્ચ 2026માં શરૂઆત કરાઇ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં અધિકારીઓએ જણાવ્યું કે, ‘પેસેન્જર ફીડબેક રેટિંગ પર્ફોર્મન્સ સિસ્ટમ’ માર્ચ 2026માં શરૂ કરવામાં આવી હતી અને વિવિધ સેવાઓનાં માપદંડોમાં તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના જાહેર પરિવહન તંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છું.

દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, અમે જાહેર પરિવહન તંત્રમાં સુધારા માટે વિવિધ પહેલો હાથ ધરી છે. પેસેન્જર ફીડબેક રેટિંગ સિસ્ટમને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને આ ફીડબેકના આધારે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે. પરિણામે GSRTCના પરફોર્મન્સ રેટિંગ ખૂબ જ સકારાત્મક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા એક વર્ષમાં GSRTC બસોમાં દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે. આગામી મહિનાઓમાં 30 લાખ મુસાફરો સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે. જાહેર પરિવહન અમારી પ્રથમ પ્રાથમિકતા છે. પેસેન્જર ફીડબેક રેટિંગ સિસ્ટમમાં મુસાફરોનાં જે પ્રતિભાવો મળી રહ્યા છે તેને ધ્યાનમાં લઇ તાત્કાલિક તેમાં સુધારો કરી રહ્યા છીએ. આ પ્રતિભાવોને કારણે અમને ખ્યાલ આવી રહ્યો છે કે, કઇ સેવાઓમાં સુધારાની જરૂર છે. આ પ્રતિભાવોએ પ્રસ્થાપિત કર્યુ છે કે, એસ.ટી બસમાં લોકોનો વિશ્વાસ અકબંધ છે અને મુસાફરોની 4.5ની સરેરાશ રેટિંગમાં તે પ્રતિબિંબિત થાય છે.

ફીડબેક કેવી રીતે આપશો?

GSRTCએ AC અને Volvo જેવી પ્રીમિયમ બસોમાં દરેક બેઠક પાછળ તેમજ દરેક બસમાં ઓછામાં ઓછો એક QR કોડ મૂક્યો છે. મુસાફરો આ કોડ સ્કેન કરીને પોતાનું નામ, ઈમેલ, મોબાઈલ નંબર અને PNR અથવા ટિકિટ નંબર જેવી માહિતી દાખલ કરી તેમનો પ્રતિભાવ આપી શકે છે. મુસાફરો બસની સ્વચ્છતા, બેઠક સુવિધા, સમયપાલન, સ્ટાફ વર્તન, સલામતી અને તેમના સરેરાશ અનુભવ જેવા મુદ્દાઓ પર રેટિંગ આપી શકે છે. મુસાફરો ફરિયાદ સંબંધિત ફોટા પણ અપલોડ કરી શકે છે. ફીડબેક સબમિટ થતા જ તે સબંધિક અધિકારીને પહોંચે છે અને તાત્કાલિક સંબંધિત અધિકારીઓ તેના પર કાર્યવાહી કરે છે.

હવે પછી બસ ડેપોની સ્વચ્છતા માટે વિશેષ QR Code

નિગમ દ્વારા રાજ્યભરના તમામ બસ ડેપો પર વિશેષ ‘સ્વચ્છતા’ માટે QR કોડ લગાવવામાં આવશે. આ QR કોડ સ્કેન કરી મુસાફર જે તે બસ ડિપોટની સ્વચ્છતા વિશે પ્રતિભાવ આવી શકશે. આ નવી સિસ્ટમમાં QR કોડ દરેક બસ ડિપોટ માટે અલગ બનાવવામાં આવશે. નિગમ દ્વારા આવા 400થી વધુ વિશેષ QR કોડ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રોજ 8000થી વધુ બસો ચલાવવામાં આવે છે અને સરેરાશ 27 લાખ લોકો દરરોજ તેમાં પ્રવાસ કરે છે.


આ પણ વાંચો----    Local Body Elections 2026 : 7 વાગ્યાનું અપડેટ, ગુજરાતમાં 194 બેઠકો બિનહરીફ, 1832 ફોર્મ પરત ખેંચાતા રાજકીય ચિત્ર સ્પષ્ટ