ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સૌથી વધારે જરૂર પડતી સરકારી સેવાઓની પ્રક્રિયાઓ વધુ સરળ, ઝડપી, પારદર્શી અને કાગળવિહીન બનાવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. "Digital-by-Default" માળખા હેઠળ સેવા વિતરણની પ્રક્રિયાને એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ સ્વરૂપ આપીને "ડિજિટલ ગુજરાત 2.0" સાથે સંકલિત કરવાના ભાગરૂપે આ સુધારો કરવામાં આવ્યો છે.

ઈ-પ્રમાણપત્ર પર હવે ઓનલાઈન લાગશે ગોળ સિક્કો

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સત્તાવાર પરિપત્ર (ક્રમાંક: GAD/All/e-file/1/2025/6677/ARTD2) જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર, ડિજિટલ પોર્ટલ પરથી આપવામાં આવતી તમામ સેવાઓ અંતર્ગત પ્રમાણપત્ર અથવા દાખલા પર મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારીની કચેરીની સંપૂર્ણ વિગતો સાથેનો ગોળ સિક્કો દર્શાવવો આવશ્યક રહેશે.

Gujarat Government Decision: Digital Certificates to Feature Online Round Seal

સરકારી કચેરીઓના બિનજરૂરી ધક્કામાંથી મળશે કાયમી મુક્તિ

હાલમાં સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે આપવામાં આવતા ઈ-પ્રમાણપત્રોમાં અધિકારીનો ગોળ સિક્કો દર્શાવવામાં આવતો ન હતો, જેના કારણે અરજદારોને રૂબરૂ કચેરીએ જઈ સિક્કો કરાવવાની જરૂરિયાત ઊભી થતી હતી અને કામગીરીમાં વિલંબ થતો હતો. આ સુધારાથી હવે અરજદારોને કચેરીના બિનજરૂરી ધક્કામાંથી કાયમી છુટકારો મળશે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે પરામર્શ હાથ ધરાશે

ઈ-પ્રમાણપત્ર પર ગોળ સિક્કો દર્શાવવા બાબતે સંબંધિત વિભાગો દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના પરામર્શમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ડિજિટલ પોર્ટલ પર સિસ્ટમમાં જરૂરી ટેકનિકલ ડેવલપમેન્ટ પૂર્ણ કરી તેને ઝડપથી અમલી બનાવવામાં આવશે.


આ પણ વાંચો: 21 October Top News: પગારમાં થઈ શકે છે મોટો વધારો! પ્રશાંત મહાસાગરમાં તબાહીનો ભય, નકલી પત્રકારો ઝડપાયા