મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના 13 લાખથી વધુ લાભાર્થી વિદ્યાર્થીઓને રૂ.370 કરોડથી વધુની સ્કોલરશીપ સહાય ડી.બી.ટી.થી એનાયત કરી હતી. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તથા કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે તેની ચિંતા કરીને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે.

કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે

મુખ્યમંત્રીએ કહ્યું કે, એક સમયે ગામોમાં વિજ્ઞાન પ્રવાહની શાળોઓની સંખ્યા નહિવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળોઓ થઈ ગઈ છે. 2001માં માત્ર 775 કોલેજો હતી આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે. ધો.12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવુ હોય તો માત્ર 139 કોલેજ હતી, આજે એન્જિનિયરિંગ કોલેજની સંખ્યા 288એ પહોંચી છે. ગુજરાતમાં એક સમયે 1175 મેડિકલ સીટો હતી. જે આજે 7000 હજારથી વધુ થઈ છે. મેડિકલમાં અભ્યાસ કરતી દિકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યારસુધીમાં રાજ્યની 24 હજારથી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે.

ગુજરાતનું અને દેશનું ભવિષ્ય વિદ્યાર્થીઓના હાથમાં

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતનું અને દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે તેવા આજના વિધાર્થીઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરેલી ફ્લેગશિપ યોજનાઓ પૈકીની ચાર યોજનાઓ અંતર્ગત આજે ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રૂ.૩૭૦ કરોડથી વધુ રકમની શિષ્યવૃત્તિ સહાય સીધી જ DBT માધ્યમથી ટ્રાન્સફર થઈ છે. અત્યાર સુધીમાં, આ ચારેય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૩.૫૦ લાખથી વધુ બાળકોને રૂ.૧૩૩૨ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે.


આ પણ વાંચોઃ Gujarat News: હવે આ મતદારો ફોર્મ નં 6 ભરીને મતદારયાદીમાં નામ સામેલ કરાવી શકશે