ગુજરાત સરકારે 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-II માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટનો સમાવેશ થાય છે. આ ટ્રેનો કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે, જે હાઇ-ટેક અર્બન મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતા દર્શાવે છે. આ પહેલ ગુજરાતમાં જાહેર પરિવહન સુવિધાઓને તો મજબૂત કરશે જ, સાથે-સાથે દેશની ઉત્પાદન ક્ષમતાઓને પણ ઉજાગર કરશે.
મુસાફરોને વધુ સારી સુવિધા મળશે
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ફેઝ-1 અને ફેઝ-2 સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે, અને અમદાવાદ-ગાંધીનગરના લાખો નાગરિકો મેટ્રો ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આજે રાજ્ય શહેરી પરિવહન માળખાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં, 68.2 કિમી મેટ્રો નેટવર્ક પહેલેથી જ કાર્યરત છે, જેમાં હાલમાં 32 ટ્રેનસેટ્સ સેવામાં છે. તેમાં વધુ 10 ટ્રેનસેટ્સનો ઉમેરો થવાથી મુસાફરોના પરિવહન માટે ટ્રેનની ફ્રીકવન્સી વધી જશે, ટ્રેનો માટે રાહ જોવાનો સમય ઘટશે અને મુસાફરોને વધુ સારી સુવિધા મળશે.
24 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો
હાલમાં, સુરત ખાતે 40.3 કિમી લાંબા મેટ્રો રેલ નેટવર્કનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે પૂર્ણ થયે સુરત શહેર ટકાઉ શહેરી પરિવહનના મજબૂત વિસ્તરણનું સાક્ષી બનશે. ગુજરાત રાજ્યમાં હાલમાં મેટ્રો રેલ નેટવર્ક 108 કિમી સુધી વિસ્તરેલું છે, અને આગામી વર્ષોમાં 190 કિમી સુધી તેનું વિસ્તરણ થવાનો અંદાજ છે. તેમાં 6.04 કિમીની અગાઉથી આયોજિત એરપોર્ટ લાઇનનો પણ સમાવેશ થાય છે, જે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.રાજકોટ અને વડોદરા જેવા અન્ય મુખ્ય શહેરોમાં પણ મેટ્રો રેલ સેવાઓનું વિસ્તરણ કરવા માટેની દરખાસ્તો વિચારણા હેઠળ છે.
અત્યાધુનિક ડ્રાઇવરલેસ ટેક્નોલોજીથી સજ્જ મેટ્રો હશે
ગુજરાતમાં નવી મેટ્રો સિસ્ટમ્સ અત્યાધુનિક ડ્રાઇવરલેસ (ડ્રાઇવર વગરની) ટેક્નોલોજીથી સજ્જ હશે. જે સમયપાલકતા, સલામતી અને ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેનોમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ઓટોમેટેડ બ્રેકિંગ સિસ્ટમ્સ, ઑપ્ટિમાઇઝ્ડ સ્પીડ પ્રોફાઇલ્સ અને ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ હશે, જે વિશ્વસનીય કામગીરીની ગેરંટી આપે છે.સીસીટીવી સર્વેલન્સ, ફાયર ડિટેક્શન સિસ્ટમ્સ, ફેઇલ-સેફ ડોર ઓપરેશન્સ અને ઓબ્સ્ટેકલ ડિટેક્શન એટલે કે અવરોધોને શોધવા માટેની પદ્ધતિઓ જેવા મુસાફરો-કેન્દ્રિત સુધારાઓ મુસાફરોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ નવીન વિશેષતાઓ ગુજરાતની મેટ્રો ટ્રેનોને આધુનિક, સ્માર્ટ અને ટકાઉ શહેરી પરિવહનના મોડેલ તરીકે સ્થાપિત કરશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: પાલડીમાં ફાલ્કન કાર્ગોની ઓફિસમાં આવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો