ગુજરાતભરમાં પોતાના ગુમ થયેલા સ્વજનોની વર્ષોથી ચાતક નજરે રાહ જોઈને બેઠેલા હજારો પરિવારોના ચહેરા પર આખરે લાંબા સમય બાદ સ્મિત રેલાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે એક મહાઅભિયાન ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે. આ વિશેષ ડ્રાઇવના માત્ર બે અઠવાડિયામાં જ પોલીસે રાજ્યભરમાંથી રેકોર્ડબ્રેક 701 ગુમ થયેલા લોકોને શોધી કાઢીને તેમના પરિવારો સાથે ભાવુક પુનર્મિલન કરાવ્યું છે.
હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન પાઠવ્યા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક સફળતા બદલ પોલીસ તંત્રને બિરદાવતા જણાવ્યું કે, એક જ પખવાડિયામાં ૭૦૧ લોકોને શોધી તેમના પરિવારો સાથે મિલન કરાવવું, તે જ આ ઓપરેશનની સાચી સફળતા છે.પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આ અભિયાન શરૂ કરાયું હતું,
ઊંડાણપૂર્વક તપાસ કરવા આદેશ
આ અભિયાનમાં તમામ જિલ્લા પોલીસ વડાઓને જૂના કેસો ફરી ખોલી ઊંડાણપૂર્વક તપાસ કરવા આદેશ અપાયા હતા. આ અંતર્ગત શોધાયેલા 701 લોકોમાં 19 સગીર છોકરા, 97 સગીર છોકરીઓ, 417 મહિલાઓ અને 168 પુરુષોનો સમાવેશ થાય છે.
આધુનિક ડેટા એનાલિટિક્સનો ઉપયોગ
CID ક્રાઇમના ADGP અજય ચૌધરીના જણાવ્યા મુજબ, પોલીસ ગુમ થયેલા લોકોના કેસ ઉકેલવા માટે 15 મુદ્દાની ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પર કામ કરી રહી છે, જેમાં સોશિયલ મીડિયા ટ્રેકિંગ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને આધુનિક ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરાયો છે.
દાયકાઓ જૂની ફાઈલો ખોલાઇ
આ ઓપરેશન માત્ર ગુમ થયેલા લોકોને શોધવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ સક્રિય માનવ તસ્કરી, બાળ તસ્કરી અને નવજાત બાળકો વેચતી ગેંગના નેટવર્કને પણ નેસ્તનાબૂદ કરવાનો મક્કમ નિર્ધાર છે. દાયકાઓ જૂની ફાઈલો ખોલીને ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સંગમથી ચાલતું આ ઓપરેશન અનેક પરિવારો માટે નવજીવન સમાન સાબિત થઈ રહ્યું છે.
CID ક્રાઇમની સફળતા
CID ક્રાઇમ અને રેલવે (મહિલા સેલ) ના અધિક પોલીસ મહાનિર્દેશક અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઓપરેશન આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડેટા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે ખોવાયેલા માણસોને શોધવામાં આવે છે. પોલીસ અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ સઘન પ્રયાસોને કારણે વર્ષોથી ગુમ થયેલા લોકોને શોધવામાં અમને સફળતા મળી રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં મળી આવેલા 701 લોકોમાં 19 સગીર છોકરાઓ, 97 સગીર છોકરીઓ, 417 મહિલાઓ અને 168 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું છે કે, આ અભિયાન હજુ ચાલુ રહેશે.
ગુનાહિત નેટવર્કને તોડી પાડવાનો એક મક્કમ પ્રયાસ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અભિયાન માત્ર ગુમ થયેલા લોકો શોધવા પૂરતું મર્યાદિત નથી. તપાસ દરમિયાન માનવ તસ્કરી કરતી ગેંગ, બાળ તસ્કરી તથા નવજાત બાળકોની વેચાણ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનાહિત નેટવર્કને તોડી પાડવાનો એક મક્કમ પ્રયાસ છે. ઓપરેશન મિલાપ અંતર્ગત દસ વર્ષથી ગુમ મહિલા તેના બાળક સાથે મળી આવી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની 23 વર્ષીય પરિણીત મહિલા 2016માં પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ ગઈ હતી. તેના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તે પિયર ગઈ હતી અને પછી પરત ફરી નહોતી. દસ વર્ષ પછી ‘ઓપરેશન મિલાપ’ હેઠળ પોલીસે ફરી આ કેસની તપાસ શરૂ કરી અને તપાસ માટે પોલીસે પરિવારજનોનો ફરી સંપર્ક કર્યો. ગુમ થયેલી મહિલાના પતિએ જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા તેની પત્નીને સોશિયલ મીડિયા પર જોઈ હતી. આ માહિતી પછી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તપાસ કરી અને જાણવા મળ્યું કે મહિલા હાલમાં રાજકોટમાં બીજા પતિ સાથે રહે છે અને ગરબા ક્લાસ ચલાવે છે. જે પુત્ર બાળપણમાં તેની સાથે ગુમ થયો હતો, તે હવે 15 વર્ષનો છે. ઉંડાણપૂર્વકની તપાસમાં બહાર આવ્યું કે, મહિલાએ પારિવારિક વિવાદોને કારણે પોતાના પતિને છોડી દીધો હતો અને 2016માં ફરી લગ્ન કરી રાજકોટ રહેવા લાગી હતી.
શંકાસ્પદોની પૂછપરછ
તપાસકર્તાઓ સરકારી હોસ્પિટલોની પોસ્ટમોર્ટમ રૂમની પણ તપાસ કરી રહ્યા છે, અજાણી લાશોના ફોટોગ્રાફ્સને ગુમ થયેલા લોકોના રેકોર્ડ સાથે મેચ કરી રહ્યા છે અને અપહરણ તથા માનવ તસ્કરીના કેસોમાં અગાઉ ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછ પણ કરી રહ્યા છે. ગુજરાતમાં ગુમ થયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને કિશોર-કિશોરીઓ પણ છે. ગુજરાત પોલીસ આ વાતને ગંભીરતાથી લઇ રહી છે. ગુજરાત પોલીસ માટે ‘ઓપરેશન મિલાપ’ માત્ર એક પોલીસ અભિયાન નથી. અનેક પરિવારો માટે આ લાંબા સમયથી રાહ જોવાતું પુનર્મિલન છે.
આ પણ વાંચો---- Bhavnagar : સ્પાની આડમાં માનવ તસ્કરી કરતા પકડાયેલી શબાનાની 80 લાખની મિલકત પોલીસ જપ્ત કરશે