ગુજરાતમાં આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે માર્ચ મહિનામાં જ 'પ્રી-મોન્સૂન એક્ટિવિટી' શરૂ થવા જઈ રહી છે, જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

કયા દિવસે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ દ્વારા તારીખવાર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

  • 18 માર્ચ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
  • 19 માર્ચ: વરસાદનો વ્યાપ વધશે. સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ અને સુરતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
  • 20 માર્ચ: ગીર સોમનાથ, દીવ, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મેઘમહેર જોવા મળી શકે છે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

એક તરફ ગરમીથી રાહત મળશે, પરંતુ બીજી તરફ માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ખેતરમાં ઉભા રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન પલટાને કારણે એપીએમસી (APMC) માં રાખેલા અનાજને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Gandhinagar News : ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો, એક વર્ષમાં કુપોષણના દરમાં 9.01 ટકાનો ઘટાડો : મહિલા અને બાળ વિકાસ મંત્રી