ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી.જેમાં વડાપ્રધાન મોદીના ગ્રીન અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરતા ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.આ નિર્ણય અંગે મીડિયા સાથે સંવાદ કરતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશન હેઠળ વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરોને તબક્કાવાર વાયર ફ્રી બનાવવામાં આવશે. આ મહત્વાકાંક્ષી મિશનના પ્રારંભિક તબક્કા માટે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.
17 મનપા અને 151 નગરપાલિકા વાયર ફ્રી બનશે
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, આ મિશન હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ તથા 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે.જે રાજ્યના શહેરી વિસ્તારોની સુંદરતા અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે.વાયર ફ્રી મિશન અંતર્ગત શહેરોમાં હાલ અસ્તિત્વ ધરાવતા ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે, ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. જેમાં 14600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને 31400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને તબક્કાવાર ભૂમિગત કરાશે.
