પીએમ સૂર્ય ઘર યોજનામાં સર્વશ્રોષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાતને પાંચ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે. નવી દિલ્હી ખાતે ભવ્ય રાષ્ટ્રીય સમારોહ યોજાયો હતો. આમ ગુજરાતનો રાષ્ટ્રીય સ્તરે ડંકો વાગ્યો છે. પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાતે નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહક અરજી તથા 6.81 લાખ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા છે જ્યારે MNRE દ્વારા તા. 1 મે થી 31 મે, 2026 દરમિયાન આયોજિત મંથ ઓફ્ સોલર મે-2026 અભિયાનમાં ગુજરાતમાં 3.06 લાખ કરતાં વધુ ગ્રાહક અરજી મળી હતી, જે પૈકી 35 હજારથી વધુ રૂફ્ટોપ સોલર લગાવાયા છે. આમ ઉર્જામંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતે રૂફટોપ સોલર અપનાવવામાં સિદ્ધિ મેળવી છે.
સામાન્ય નાગરિકો પોતાના ઘર ઉપર સોલર પેનલ લગાવીને પર્યાવરણની જાળવણી સાથે આર્થિક ઉપાર્જન મેળવી શકે તે માટે કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર- મુફ્ત બિજલી યોજના અમલી બનાવી છે. આ યોજનામાં ગુજરાતે ફરિ એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દેશના અગ્રણી રિન્યુએબલ એનર્જી રાજ્ય તરીકે પોતાની વૈશ્વિક અને રાષ્ટ્રીય ઓળખ બનાવી છે. કેન્દ્ર સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત પીએમ સૂર્ય ઘરઃ મુફ્ત બિજલી યોજના અંતર્ગત મે-2026 પહેલ હેઠળ ગુજરાતે 5 રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી કેટેગરી-B રાજ્યોમાં સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કર્યું છે. યોજનાના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે આજે ભવ્ય રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત થયા હતા,GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલે એવોર્ડ સ્વીકાર્યા હતા.










