માર્ગ અકસ્માતોમાં કીમતી જિંદગીઓ બચાવવા અન નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે માટે સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગરમાં એક મહિનો હેલમેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ગાંધીનગર જિલ્લામાંથી 5,691 વ્યક્તિઓ સામે હેલમેટ નહીં પહેરવા બદલ રૂપિયા 14.63 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હેલમેટ નહીં પહેરવાના કારણે ફેટલ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે.


ગાંધીનગરમાં જે ફેટલ અકસ્માતો નોંધાયા છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં ટુ-વ્હીલર ચાલકોના મોત નિપજ્યા છે. જેઓની પાછળ એક કોમન બાબત અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિએ હેલમેટ નહીં પહેર્યુ હોવાનું ખૂલ્યું છે. હેલમેટ નહીં પહેરવાથી માથામાં થયેલી સામાન્ય ઇજા પણ જીવલેણ સાબિત થઇ શકે છે. સમગ્ર દેશમાં ટુ-વ્હીલર ચાલકોને હેલમેટ પહેરવુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. પરંતુ ટુ-વ્હીલર ચાલકો મોટાભાગે આ કાયદાનો સરેઆમ ભંગ કરતા જોવા મળે છે. ગાંધીનગર રેન્જના આઇજી વિરેન્દ્રસિંહ યાદવ જ્યારે ગાંધીનગર પોલીસ અધિક્ષક હતા ત્યારે હેલમેટના કાયદાની કડક અમલવારી કરાવવામાં આવી હતી. આ સમયે મોટાભાગના ટુ-વ્હીલર વાહન ચાલકો હેલમેટ પહેરતા થઇ ગયા હતા. જોકે, ત્યારબાદ રાજ્યમાં ચૂંટણી નજીક આવતા ઉપરથી છુટેલા કથિત આદેશના કારણે હેલમેટની અમલવારી ઢીલી મુકવામાં આવી હોય તેમ હેલમેટ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલક સામેની દંડનાત્મક કાર્યવાહી અટકી ગઇ હતી. . જેના કારણે જે ટુવ્હિલર વાહન ચાલકો હેલમેટ પહેરતા ટેવાઇ ગયા હતા. તેઓથી પણ હેલમેટ છુટી ગયુ હતું. ગાંધીનગરમાં જે અકસ્માતોમાં ટુવ્હિલર વાહન ચાલકોના મોત નિપજ્યા છે તેઓની પાછળ માથામાં ઇજાના કારણે થયેલ હેમરેજ મુખ્ય કારણ રહ્યુ છે. જ્યારે જે ટુવ્હિલર વાહન ચાલકે હેલમેટ પહેર્યુ હોય તેનો જીવ બચી ગયો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હેલમેટના કાયદાની પુનઃ કડક અમલવારી કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સચિવાલય સહિતની સરકારી કચેરીઓમાં હેલમેટ ડ્રાઇવ યોજીને હેલમેટ વગર આવતા સરકારી બાબુઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી સમાયંતરે થતી રહેતી હોય છે. જોકે, તાજેતરમાં સમગ્ર રાજ્યમાં વિશેષ હેલમેટ ડ્રાઇવનું આયોજન કરવાના આદેશો છુટયા હતા. જે અંતર્ગત ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓ ઉપરાંત વિવિધ સ્થળે હેલમેટ ડ્રાઇવ અંતર્ગત ટુવ્હિલર વાહન ચાલકો સામે દં ડનાત્મક કાર્યવાહી હાથધરાઇ હતી. 1લી મેથી શરૂ થયેલી આ ડ્રાઇવ 31 માર્ચે પુર્ણ થઇ હતી. આ દરમિયાન ગાંધીનગરમાં 51 સરકારી કર્મચારીઓ સામે હેલમેટ નહી પહેરવાના કારણે દંડનાત્મક કાર્યવાહી હાથધરીને 25500 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સિવાય અન્ય 5640 જેટલા લોકો પાસેથી હેલમેટ નહી પહેરવા બદલ 14,37,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: