ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આજે આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા બે વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતાં. જેમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આ સુધારા વિધેયકને મહત્ત્વપૂર્ણ અને રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ કરનારું ગણાવતાં મંત્રીએ કહ્યું કે આ સુધારા થકી જમીન વ્યવહારોમાં કાયદાકીય સ્પષ્ટતા આવશે અને ગેરકાયદે જમીન તબદીલી પર અંકુશ આવશે.
સરકાર હસ્તક નિહિત કરવા અંગે સ્પષ્ટ પ્રક્રિયા નથી
મંત્રી સંજયસિંહ મહિડાએ કહ્યું કે રાજ્ય સરકારે હંમેશાં ખેડૂતહિત એ જ સર્વોપરિના મંત્ર સાથે ખેડૂતોના અધિકારોના રક્ષણ અને તેમના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે.તેમણે જણાવ્યું કે રાજ્યમાં હાલ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948, સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 તથા ગુજરાત ગણીત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1958-એ ત્રણ જુદા-જુદા ગણોત કાયદાઓ અમલમાં છે. સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949ની કલમ-75 હેઠળ જો કોઈ વ્યક્તિ કોઈ જમીનનો અનઅધિકૃત રીતે ભોગવટો અથવા ખોટી રીતે કબજો ધરાવતી હોય, તો જિલ્લા કલેક્ટર દ્વારા સંક્ષિપ્ત કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવવાની જોગવાઇ છે,પરંતુ ગેરકાયદે તબદીલીના કિસ્સામાં પુનઃસ્થાપન અને સરકાર હસ્તક નિહિત કરવા અંગે સ્પષ્ટ પ્રક્રિયા નથી.
કાયદાકીય બાબતોમાં અસરકારક બચાવ શક્ય બનશે
ગુજરાત ગણોત એક્ટ હેઠળ જો ખેડૂત ન હોય, તેવી વ્યક્તિ અથવા કોઈ સંસ્થાની તરફેણમાં ખેતીની જમીનની તબદીલી થયેલી હોય, તો તેવી વ્યક્તિ અથવા સંસ્થા ઉપર આવી જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમતની રકમથી ત્રણ ગણી રકમનો દંડ કરવાની જોગવાઇ છે. પરંતુ, દંડની રકમ ભરપાઈ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી.તેમણે ઉમેર્યું કે હાલની જોગવાઈ પ્રમાણે કલમ-૭૫ હેઠળ ગેરકાયદે તબદીલ થયેલી જમીનના પુનઃસ્થાપન અને સરકાર હસ્તક નિહિત કરવા અંગે કાયદાકીય સ્પષ્ટતા નથી. જ્યારે, કલમ-૭૫(એ) હેઠળ દંડ ચૂકવવા માટે કોઈ સમયમર્યાદા ન હોવાથી ખેડૂતને તેની જમીન પાછી મળવામાં વિલંબ થાય છે. તેમણે રાજ્યમાં અમલી અન્ય ગણોત કાયદાઓ સાથે એકરૂપતાની જરૂરિયાત દર્શાવી હતી. જ્યારે, વિવિધ કાયદાકીય બાબતોમાં અસરકારક બચાવ શક્ય બનશે.
આ કારણોસર આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું
આ તમામ કારણોસર આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે જેથી કાયદામાં સ્પષ્ટતા આવે, પ્રક્રિયા સરળ બને અને ખેડૂતોના હિતોનું યોગ્ય રક્ષણ થાય.આ વિધેયકમાં મહત્ત્વપૂર્ણ સુધારા સૂચવતા મંત્રીએ જણાવ્યું કે હાલની જોગવાઇમાં ફક્ત અનઅધિકૃત કબજો ખાલી કરાવવાની જ જોગવાઇ છે.આ સુધારા દ્વારા હવે ગેરકાયદેસર તબદીલીના કિસ્સામાં સ્પષ્ટ અને વ્યવસ્થિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી રહી છે. જે મુજબ, કલેક્ટર આપમેળે અથવા જમીનમાં હિત ધરાવતી કોઈ વ્યક્તિની અરજીના આધારે કાર્યવાહી શરૂ કરી શકશે. જો તબદીલી ગેરકાયદે જણાય, તો કલેક્ટર ત્રણ મહિનાની મુદતમાં જમીન વેચનારને જમીન પરત કરવા જણાવશે અને ખરીદનારે તે જમીન પરત કરવાની રહેશે.જો નક્કી કરેલ મુદતમાં જમીન અગાઉની સ્થિતિમાં પરત ન કરવામાં આવે, તો કલેક્ટર તબદીલી ગેરકાયદેસર જાહેર કરશે અને આવી જમીન તમામ બોજા રહિત સરકારમાં નિહિત થશે અને આવી જમીનનો નિકાલ સરકારી પડતર જમીન તરીકે કરવામાં આવશે.
ખેતીની જમીનની તબદેલીઓ પર અસરકારક નિયંત્રણ
આ જ પ્રકારે, કલમ-૭૫(એ)માં સૂચિત સુધારા સૂચવતા મહિડાએ કહ્યું કે આ સુધારા દ્વારા દંડના કિસ્સામાં બિનખેડૂત વ્યક્તિ અથવા સંસ્થાએ જમીનના પ્રવર્તમાન જંત્રી કિંમતની ત્રણ ગણી રકમ એક મહિનાની મુદતમાં ભરપાઇ કરવાની રહેશે અને સદર જમીન વેચાણ આપનાર ખેડૂત ખાતેદારને અગાઉની સ્થિતિમાં પરત કરવાની રહેશે.આ સુધારાથી બિનખેડૂતોના તરફેણમાં થતી ખેતીની જમીનની તબદેલીઓ પર અસરકારક નિયંત્રણ લાવશે અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે.વધુમાં, રાજ્યમાં અમલમાં અન્ય ગણોત કાયદાઓ સાથે એકરૂપતા જાળવવા માટે કલમ-૭૫(એ)નો સુધારો તા.૦૫/૧૨/૨૦૧૫ની અસરથી લાગુ પાડવા સૂચવ્યું હતું. બિનખેડૂતે એક મહિનામાં દંડ ચૂકવવાનો રહેશે અને જમીન પરત કરવાની રહેશે. આથી ખેડૂતોને ઝડપથી ન્યાય મળશે અને મૂળ ખાતેદારના હકનું રક્ષણ થશે.
આ પણ વાંચોઃ Gandhinagar News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નિવાસ સ્થાને અમિત શાહની ડિનર ડિપ્લોમસીથી રાજકારણ ગરમાયુ