દર વર્ષે 25 મેના દિવસને વિશ્વભરમાં 'ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ મિસિંગ ડે' તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ગુમ થયેલા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવવાનો અને તેમને શોધવાનો છે. આ ખાસ દિવસે ગુજરાતમાંથી ગુમ થયેલા લોકોના જે આંકડા સામે આવ્યા છે તે લાલબત્તી સમાન છે. સત્તાવાર વિગતો અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 24,166 લોકો ગુમ થયા છે. આ આંકડાઓમાં સ્ત્રી, પુરુષ તેમજ મોટી સંખ્યામાં સગીર વયના કિશોર-કિશોરીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ અને સુરત ગુમ થવાના કેસોમાં મોખરે

રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ રેકોર્ડ અનુસાર, ગુજરાતના મેગા સિટીઝ ગુમ થવાના કેસોમાં સૌથી મોટા હોટસ્પોટ સાબિત થયા છે. આ યાદીમાં આર્થિક પાટનગર સુરત અને હેરિટેજ સિટી અમદાવાદ ટોચના સ્થાને છે. શહેરીકરણ, વસ્તી ગીચતા અને ટેકનોલોજી કે સોશિયલ મીડિયાના આકર્ષણમાં આવીને ઘર છોડી ભાગી જવાની પ્રવૃત્તિના કારણે કિશોર-કિશોરીઓ ગુમ થવાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ ઉપરાંત રોજગારીની શોધમાં આવીને ગુમ થતા પુરુષો અને કૌટુંબિક ઝઘડા કે અન્ય કારણોસર લાપતા થતી મહિલાઓનો આંકડો પણ મોટો છે.

15દિવસની મેગા ડ્રાઈવમાં 701 લોકો હેમખેમ મળ્યા

આ ગંભીર પરિસ્થિતિને જોતા ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. રાજ્યભરમાં ગુમ થયેલા બાળકો અને નાગરિકોને શોધીને તેમના પરિવાર સાથે મિલન કરાવવા માટે એક ખાસ 'મેગા ડ્રાઈવ' શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત તમામ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી છે. પોલીસની આ મહેનત રંગ લાવી રહી છે અને આ મેગા ડ્રાઈવના શરૂઆતના માત્ર ૧૫ દિવસની અંદર જ રાજ્યભરમાંથી 701 ગુમ થયેલા લોકોને શોધી કાઢીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. પોલીસ આગામી દિવસોમાં આ ડ્રાઈવ વધુ કડક બનાવશે.

આ પણ વાંચો: Valsad: કલવાડા ગામે બાઈક ચાલકને કારે ઉડાવ્યો, યુવાન 10 ફૂટ હવામાં ઉછળ્યો, ઘટનાના CCTVમાં કેદ