રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે વિવિધ સરકારી યોજનાઓ અને પ્રજાલક્ષી નિર્ણયો અંગે મહત્વની વિગતો શેર કરી હતી. જેમાં ખેતી અને સુરક્ષા ક્ષેત્રે મહત્વના ફેરફારોની વાત કરવામાં આવી છે. મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. તુવેરનો 100% જથ્થો રૂપિયા 8,000 ના ભાવે ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આગામી 22 ડિસેમ્બરથી ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી શકશે. ગ્રામ પંચાયત કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે ખેડૂતો વિનામૂલ્યે પોતાની નોંધણી કરાવી શકશે.
સાયબર ફ્રોડ સામે કડક કાર્યવાહી, મ્યુલ એકાઉન્ટ અંગે ચેતવણી
સાયબર છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકો માટે મંત્રીએ આશાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પહેલા ફ્રોડના પૈસા ફ્રીઝ કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે પોલીસની સતર્કતાને કારણે અનેક કિસ્સામાં 50% થી 100% રકમ ફ્રીઝ કરવામાં સફળતા મળી રહી છે. DYCM ના નેતૃત્વમાં પોલીસે આ ક્ષેત્રે પ્રશંસનીય કામ કર્યું છે અને 'સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ' દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાયબર ગુનેગારોને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા લોકો સામે સરકારે લાલ આંખ કરી છે. "થોડી લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ બીજાને વાપરવા ન આપો. જો તમારા એકાઉન્ટનો દુરુપયોગ થયો તો તમારા વિરુદ્ધ FIR થશે," તેમ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું. હાલમાં આવા કિસ્સામાં પોલીસે 450 જેટલી FIR દાખલ કરી છે.
