ગુજરાતમાં છાશવારે આરોગ્યને લઈને લાલીયાવાડી સામે આવતી હોય છે. દવાઓ હોવા છતાં દર્દીઓને નહીં આપવાનો ઈરાદો રાખનારા કર્મચારીઓ સામે સરકાર એક્શનમાં આવી છે. વિસનગરમાં જુનિયર ફાર્માસિસ્ટ સામે આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરીયા દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. દવા હોવા છતાં દર્દીને નહીં આપનાર આ કર્મચારીની બદલી કરી તેની સામે તપાસની સૂચના અપાઈ છે.

કર્મચારી સામે આરોગ્ય મંત્રીની કાર્યવાહી

વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીએ દવાઓનો જથ્થો હોવા છતાં દર્દી હિતમાં બેદરકારી દાખવી હતી. સમગ્ર મામલો સરકારના ધ્યાને આવ્યા બાદ તેની સામે પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરીયાએ દર્દીઓના હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી પ્રશાંત શ્રીમાળીની કચ્છમાં બદલી કરી નાંખી છે. આ ઉપરાંત તેની સામે ખાતાકિય તપાસની પણ સૂચના આપી છે.

આરોગ્ય સેવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ

દર્દીઓની દવાઓ હોવા છતાં નહીં આપવામાં આવતી હોવાની ફરિયાદ સરકાર સુધી પહોંચી હતી. આ ફરિયાદને ધ્યાને લઈને આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ ગાંધીનગરથી તપાસ માટે એક ટીમ મોકલી હતી. આ ટીમ દ્વારા દવાઓનો જથ્થો હયાત હોવાનો સરકારને રીપોર્ટ આપ્યો હતો. દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ દાખવ્યું હતું. તેમણે બેદરકાર કર્મચારી સામે પગલાં લીધા હતાં. દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad News: છત્તીસગઢના યુવકે જીવનની પ્રથમ વિદેશ ટ્રીપ મારી અને ગાંજાના નેટવર્કમાં ઝડપાયો