ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે હેતુથી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ રાજ્યના પોલીસ વડા (DGP)ને એક મહત્ત્વપૂર્ણ પત્ર લખીને તાત્કાલિક અસરથી વિશેષ ડ્રાઇવ ચલાવવાની સૂચના આપી છે. આ પત્રમાં મુખ્યત્વે નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મ (કાચ) ધરાવતા વાહનો અને નંબર પ્લેટ પર નિયમો વિરુદ્ધ લખાણ કરાવેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ટ્રાફિક ઉલ્લંઘન પર નિયંત્રણ
રોડ સેફ્ટી ઓથોરિટીએ પત્રમાં જણાવ્યું છે કે, આ પ્રકારના વાહનો દ્વારા ટ્રાફિકના નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન કરવામાં આવે છે, જેના કારણે અકસ્માતો અને ગુનાહિત પ્રવૃત્તિઓનું જોખમ વધે છે. DGPને મળેલી આ સૂચના બાદ, હવે રાજ્યભરમાં પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ આ પ્રકારના નિયમભંગ કરતા વાહનોને પકડીને દંડ ફટકારવા માટે એક સઘન ઝુંબેશ (ડ્રાઇવ) શરૂ કરવામાં આવશે.













