કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં ન્યુ લક્ષ્મીનગર સોસાયટી આવેલી છે આ સોસાયટી અગાઉ બોરીસણા ગ્રામ પંચાયત હેઠળ આવતી હતી. બાદમાં આ વિસ્તારનો સમાવેશ કલોલ નગરપાલિકામાં કરવામાં આવ્યો છે. અગાઉ અહીં બોર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું તે બોર બગડી જતા ગ્રામ પંચાયત દ્વારા નવો બોર બનાવવામાં આવ્યો છે. નવા બોરમાંથી ડહોળુ અને ઓઇલ તેમજ ગેસવાળું પાણી આવી રહ્યું હોવાનું રહેવાસીઓ જણાવી રહ્યા છે. સોસાયટીમાં કુલ 140 જેટલા મકાનો આવેલા છે અને અહીં આશરે 700થી વધુ લોકો વસવાટ કરે છે.
નવા બોરમાંથી ઓઇલ અને ગેસવાળું પાણીની ફરિયાદ
આ વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી આ પરિવારોને ગંદુ અને ઓઇલવાળું પાણી પીવા તેમજ રોજિંદા ઉપયોગ માટે વાપરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ પાણીમાં અજાણી ગંધ તેમજ તેલ જેવી પરત જોવા મળી રહી છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થવા પામ્યું છે. આ સમસ્યા અંગે તેઓએ કલોલ નગરપાલિકા સહિત સંબંધિત તંત્રમાં રજૂઆતો કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સોસાયટીઓના લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.













