ભાગેડુ લગ્નના વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાઓને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ આજે સરકાર સાથેની બેઠકમાં લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે મહત્ત્વની રજૂઆત કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયાએ નિવેદન આપ્યું હતું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. બાંભણીયાએ ભારપૂર્વક જણાવ્યું કે લગ્નની નોંધણી ઓનલાઈન થવી જોઈએ અને તે યુવક-યુવતીના આધાર કાર્ડના સરનામે જ થવા જોઈએ, જેથી માતા-પિતાને લગ્નમાં વાંધો લેવાનો પૂરતો સમય મળી શકે.

ભાગેડુ લગ્નો પર અંકુશ

તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કર્યો કે, કેટલાક તલાટીઓ બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચલાવે છે અને ગૃહમંત્રીએ આવા તલાટીઓ સામે સખત પગલાં લેવા જોઈએ. આ બેઠકમાં પાટીદાર સમાજે અન્ય એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. પાટીદાર આગેવાન વરુણ પટેલે માંગણી કરી હતી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ EWS (આર્થિક રીતે નબળા વર્ગ) કેટેગરીને અનામત આપવામાં આવે. વરુણ પટેલે જણાવ્યું કે શિક્ષણ અને રોજગારમાં આર્થિક અનામત લાગુ છે, તેથી OBC અનામતની જેમ જ EWSને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામતનો લાભ મળવો જોઈએ. પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલી આ બેવડી રજૂઆતે રાજ્ય સરકાર પર તાત્કાલિક કાયદાકીય અને નીતિ વિષયક નિર્ણયો લેવાનું દબાણ વધાર્યું છે.