ગુજરાત હવે વિશ્વના સેમિકન્ડક્ટર નકશા પર ચમકવા માટે તૈયાર છે. સાણંદમાં સ્થાપિત થયેલા ભારતભરના પ્રથમ અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે માઇક્રોનના ગ્લોબલ CEO સંજય મેહરોત્રા તેમની ઉચ્ચ સ્તરીય ટીમ સાથે ગુજરાત આવી પહોંચ્યા છે.
માઇક્રોનના CEO સંજય મેહરોત્રા ગુજરાતમાં
માઇક્રોનના CEO સંજય મેહરોત્રા અને તેમની ટીમનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યક્તિગત રીતે તેમનું અભિવાદન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સંજય મેહરોત્રાએ મુખ્ય સચિવ એમ. કે. દાસ અને રાજ્યના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે એક ખાસ બેઠક યોજી હતી. બેઠક બાદ મહાનુભાવોએ સાથે ભોજન લીધું હતું અને પ્રોજેક્ટની અંતિમ તૈયારીઓ પર ચર્ચા કરી હતી.
