ગુજરાતમાં સિકલ સેલ અને થેલેસેમિયા જેવા આનુવંશિક રક્ત વિકારોનું ભારણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, જુલાઈ 2025 સુધીમાં ગુજરાતમાં 77.34 લાખ લોકોના સ્ક્રીનિંગમાં 28,178 સિકલ સેલના દર્દીઓ નોંધાયા છે. જ્યારે ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ દેશમાં 11,274 થેલેસેમિયા મેજર અને 94,000 થી વધુ કેરિયર કેસ મળી આવ્યા છે, જેમાં ગુજરાતના અમુક સમુદાયોમાં આ જોખમ વધુ જોવા મળ્યું છે.
બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT): આજીવન સારવારનો અંત
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ બીમારીઓ માટે આજીવન બ્લડ ટ્રાન્સફ્યુઝન અને હોસ્પિટલના આંટાફેરા જ એકમાત્ર રસ્તો હતો. પરંતુ હવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) એક કાયમી ઉપચાર તરીકે ઉભરી આવ્યું છે. આ પદ્ધતિમાં બીમાર બોન મેરોને સ્વસ્થ સ્ટેમ સેલ્સ દ્વારા બદલવામાં આવે છે. BMT માત્ર થેલેસેમિયા જ નહીં, પણ લ્યુકેમિયા (બ્લડ કેન્સર) અને લિમ્ફોમા જેવી ગંભીર બીમારીઓ માટે પણ રામબાણ ઈલાજ સાબિત થઈ રહ્યું છે.
