રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેકશન કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.લેપ્રસીના કારણે દર્દીની શારીરિક,માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેને સમયસર સારવાર અને સહાય મળી રહે તે હેતુથી સેવાભાવી નાગરિકો અને સંસ્થાઓના સહકાર સાથે આ અભિયાન હાથ ધરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વસ્તી અને ભૌગોલિક સ્થિતિના આધારે બે સ્તરે સર્વેલન્સ હાથ ધરાશે. 


બે કરોડ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે

આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય, આશા બહેનો અને પુરુષ વોલેન્ટીયર્સની વિશેષ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમો પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરશે અને નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવશે.રાજ્યના નિયત કરેલા 12 પ્રાયોરિટી જિલ્લાઓ જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તથા વડોદરા અને સુરત કોર્પોરેશનના કુલ 98 તાલુકા-વોર્ડમાં આ અભિયાન ચાલશે. અહીં 15941 ટીમો દ્વારા અંદાજીત 2,01,95,455 નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.

આ જિલ્લાઓમાં ઝૂબેશ હાથ ધરાશે

રાજ્યના અન્ય નિયત કરેલા 22 જિલ્લાઓ તા.8થી 18 જૂન સુધી અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, મોરબી, જામનગર, ખેડા, પાટણ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર અને વાવ-થરાદ તેમજ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ કોર્પોરેશન સહિતના 175 તાલુકા/વોર્ડમાં આ ઝુંબેશ હાથ ધરાશે.જેમાં 6158 ટીમો દ્વારા અંદાજીત 5454163 નાગરિકોનું સ્ક્રીનિંગ કરાશે. સર્વે દરમિયાન જો કોઈ પણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે,તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ અથવા સરકારી મેડીકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવશે.

આ પણ વાંચો: Amreli News: પ્રખ્યાત આગાહીકાર જયપ્રકાશ માઢકે કરી ચોમાસાની ભવિષ્યવાણી, જાણો ક્યારથી શરૂ થશે વાવણી



  • Follow us on: