ગુજરાત પોલીસના વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાય આગામી 31 ડિસેમ્બરના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે રાજ્યના નવા પોલીસ બેડાના સુકાની તરીકે કોની નિમણૂક થશે તેને લઈ તર્ક-વિતર્ક તેજ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ IPS અધિકારીઓની એક પેનલ તૈયાર કરવામાં આવી છે, જે મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. હાલમાં આ રેસમાં 1993 બેચના બાહોશ IPS અધિકારી અને CID ક્રાઈમના વડા ડૉ. કે.એલ.એન. રાવ સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. ડૉ. રાવ ઓક્ટોબર 2027 સુધીનો લાંબો કાર્યકાળ ધરાવતા હોવાથી તેમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.
વહીવટી તંત્રમાં ભારે હલચલ
ડૉ. કે.એલ.એન. રાવની સાથે જ અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ પણ આ મહત્વપૂર્ણ પદ માટે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. UPSCની ગાઈડલાઈન મુજબ તૈયાર કરવામાં આવેલી યાદીમાંથી કેન્દ્ર સરકાર દ્વારા આખરી નામ પર મહોર મારવામાં આવશે. નવા DGP સામે આગામી સમયમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ જેવા પડકારોને નાથવાની મુખ્ય જવાબદારી રહેશે. નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ફેરફાર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.













