ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ધામે તા. 30 જુલાઈથી પવિત્ર શ્રાવણમય માહોલ જોવા મળશે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ગુજરાત કરતાં પંચાંગ મુજબ શ્રાવણ માસ 15 દિવસ વહેલો શરૂ થાય છે અને 15 દિવસ વહેલો પૂર્ણ થાય છે. આથી તે પ્રદેશોના કાવડિયાઓ શ્રાવણ પૂર્વે જ સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આજથી શરૂ થયેલો આ કાવડિયાઓનો પ્રવાહ આવનારી 11 ઓગસ્ટ સુધી અવિરત ચાલુ રહેશે. મોટાભાગના કાવડિયાઓ બંગાળની હુગલી નદીના કિનારે આવેલા તારકેશ્વર મંદિરેથી ગંગાજળ ભરી જૂનાગઢ પહોંચે છે. ત્યાં દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી, કુંડનું જળ કાવડમાં ભરી પદયાત્રા કરીને સોમનાથ પહોંચે છે. કેટલાક કાવડિયાઓ હરિદ્વારથી ગંગાજળ લાવીને પણ સોમનાથ તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરે છે. આજથી સોમનાથ આસપાસના તમામ રસ્તાઓ બમ બમ ભોલે અને જય સોમનાથના નાદ તેમજ કાવડના ઘૂઘરાના અવાજથી ગુંજી ઊઠયા હતા.
