ગીર સોમનાથ જિલ્લામાં માળખાગત સુવિધાઓની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે. સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા એક મહત્વના બ્રિજમાં મોટી તિરાડો જોવા મળતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ ઘટનાને પગલે તંત્રની બાંધકામની ગુણવત્તા પર શંકાની સોય તણાઈ છે.
વરસિંગપુર ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગીર સોમનાથના વરસિંગપુર ગામ નજીકથી પસાર થતા સોમનાથ-ભાવનગર હાઇવે પરના બ્રિજમાં ઠેર-ઠેર તિરાડો પડી ગઈ છે. આ હાઈવે સતત ધમધમતો રહે છે, જેના કારણે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પણ પુષ્કળ પ્રમાણમાં રહે છે. બ્રિજની સપાટી અને સાંધાના ભાગે પડેલી આ તિરાડો દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે, જે કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી રહી હોય તેવું જણાય છે.
વાહનચાલકો અને મુસાફરોમાં ભયનો માહોલ
આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોએ જણાવ્યું હતું કે, બ્રિજ પર ગાબડા અને તિરાડોને કારણે વાહન ચલાવતી વખતે સતત ડર લાગે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ તિરાડો અકસ્માતનું કારણ બની શકે તેમ છે. લોકોની સલામતી સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થતા સોશિયલ મીડિયા પર પણ આ બ્રિજના ફોટા વાયરલ થઈ રહ્યા છે.










