દીવના વણાંકબારા બંદરેથી બપોરે અઢી વાગ્યાના અરસામાં ઉમેશભાઈ રામજી સાઉદવાડીની માલિકીની ફિશિંગ બોટ દરિયામાં માછીમારી કરવા માટે નીકળી હતી. જોકે, બોટના ટંડેલ અને ખલાસીઓની કથિત બેદરકારીને કારણે આ ફિશિંગ બોટ INSખુખરી મેમોરિયલ સ્થળ પાસે દરિયાના કિનારે આવેલા ભાઠા (પથ્થરો) પર ફ્સાઈ ગઈ હતી. ટંડેલ અને 6 ખલાસીઓનું સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

ઘટનાની જાણ થતાં જ ડેપ્યુટી કલેકટર શિવમ મિશ્રા, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક માછીમારો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ દુર્ઘટના જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સ્પોર્ટ્સ રાઈડ્સ ડફરોની મદદથી તમામને બચાવ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને સ્પોર્ટ્સ રાઈડ્સ ડફરો (જેટસ્કી કે નાની બોટ) ની મદદથી ફ્સાયેલી બોટમાંથી નિલેસ રામજી સોલંકી, નવાજી વંશ્ય, સુનીલ રીસવા, અજીત રીસવા, રસીદ મલકારી, સુનિલ બાબુ, રોહિત જયવંતને સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. તમામ 7 લોકોનો સહીસલામત બચાવ થતાં તંત્ર અને બોટ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આ ફિશિંગ બોટ દરિયાના ભાઠા પર જ ફ્સાયેલી છે. બોટને પથ્થરોથી ભારે નુકસાન થવાની શક્યતા હોવાથી બોટ માલિક પરેશાન છે અને તેને સહીસલામત રીતે કેવી રીતેબહાર કાઢવી તેની ચિંતા સતાવી રહી છે.