ગીર જંગલની સુરક્ષામાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. સાસણ રેન્જના પ્રતિબંધિત વિસ્તારમાં વગર પરવાનગીએ પ્રવેશ કરનારા માંગરોળના ચાર શખ્સોને વન વિભાગે ઝડપી લીધા છે.
પેટ્રોલિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો
મળતી માહિતી મુજબ, સાસણ રેન્જના અમૃતવેલ રાઉન્ડમાં વન વિભાગનો સ્ટાફ નિયમિત પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન વન વિભાગની ટીમને જંગલના અંદરના ભાગમાં કેટલાક શખ્સોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. સ્ટાફની સતર્કતાને કારણે ચારેય શખ્સોને સ્થળ પર જ દબોચી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ કોઈપણ સત્તાવાર પરવાનગી વગર અભયારણ્ય વિસ્તારમાં ઘૂસ્યા હતા.
માંગરોળના રહેવાસી હોવાનો ખુલાસો
ઝડપાયેલા ચારેય શખ્સો જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકના હોવાનું ખુલ્યું છે. જંગલમાં સિંહ જોવા અથવા અન્ય કોઈ હેતુથી તેઓ ગુપ્ત રીતે પ્રવેશ્યા હોવાની આશંકા છે. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ આ ચારેય સામે ગુનો દાખલ કર્યો છે.
50,000 રૂપિયાનો દંડ વસૂલાયો
વન વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા ચારેય શખ્સો પાસેથી કુલ ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. ગીર જંગલમાં પર્યટકો માટે નિર્ધારિત રૂટ અને પરમિટ સિવાય અન્ય કોઈપણ પ્રકારે પ્રવેશ કરવો એ ગુનો છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વન્યજીવોની પ્રાઈવસી અને જંગલની સુરક્ષા સાથે બાંધછોડ કરનાર સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Dwarka: વરવાળા-પોસીત્રામાં મેગા ડિમોલિશન હાથ ધરી કરોડોની જમીન ખુલ્લી કરાવી