સુત્રાપાડા શહેરમાં આવેલી બક્ષીપંચ આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને ધોરણ-9 માં અભ્યાસ કરતો અને મૂળ કોડીનાર તાલુકાના પ્રણાદર ગામનો 15 વર્ષીય વિદ્યાર્થી આજે સવારે સુત્રાપાડા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્તવનઋષિ આશ્રમના કુંડમાં ડૂબી ગયો હતો. પાણીમાં ગરકાવ થઈ જવાથી આ આશાસ્પદ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મૃતદેહને બહાર કાઢયો હતો. આ બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બનાવની જાણ થતાં પરિવારજનો અને પોલીસ કાફ્લો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક બાળકના પરિવારે માંગ કરી છે કે હોસ્ટેલના જવાબદાર સંચાલકો વિરુદ્ધFIRનોંધવામાં આવે અને સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થાય ત્યારબાદ જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા દેવામાં આવશે. આ બાળક કુંડ સુધી કેવી રીતે પહોંચ્યો, કયા સંજોગોમાં ડૂબ્યો અને તે સમયે તેની સાથે કોણ હતુ. તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સચોટ કારણ બહાર આવશે.