ગીર સોમનાથ જિલ્લામાં સિંહ દર્શનના શોખીનો માટે વન વિભાગે એક કડક ચેતવણીરૂપ કાર્યવાહી કરી છે. અનામત જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહોની પજવણી કરનારા અથવા ગેરકાયદે સિંહ દર્શન કરનારા શખ્સો સામે વન વિભાગે ધોકા પછાડ્યા છે. સૂત્રાપાડા અને વેરાવળના ડારી જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમે અલગ-અલગ દરોડા પાડીને કુલ ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.
સૂત્રાપાડામાં રૂ. 50,000નો દંડ
સૂત્રાપાડા રેન્જ હેઠળ આવતા અનામત જંગલ વિસ્તારમાં બે શખ્સો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવાના ઈરાદે ઘુસી ગયા હતા. વન વિભાગને બાતમી મળતા જ પેટ્રોલિંગ દરમિયાન આ બંને શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. વન વિભાગે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કડક કાર્યવાહી કરી આ બંને શખ્સો પાસેથી રૂ. 50,000નો દંડ વસૂલ્યો છે.
