નાતાલ અને 31 ડિસેમ્બરના મીની વેકેશન દરમ્યાન દેશના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવિકોનો મોટો પ્રવાહ ઉમટી પડયો છે. ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૌરાષ્ટ્ર ભણી પ્રયાણ કર્યું હોય તેમ દ્વારકા, સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ભગવાન સોમનાથના અલૌકિક દર્શન અને આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. પાંચ દિવસમાં સોમનાથમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડયા હોવાનું સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું. હજુ 31 ડિસેમ્બર સુધી આ આંકમાં વધારો જોવા મળશે.


ભાવિકોના ધસારાના ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે પાર્કિંગથી લઈને તમામ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવના દર્શન સાથે સાસણ ગીર સિંહ દર્શન તથા સાથે દીવ પર્યટન સ્થળની મુલાકાતે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા છે. સોમનાથ મંદિરની સાથે સોમનાથ ચોપાટી, વોક વે પથ, રામમંદિર, ગૌલોક ધામ, ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ અને આજુબાજુ લોકોનો ધસારો છે.

સોમેશ્વર પૂજાના સ્લોટમાં વધારો

સોમેશ્વર પૂજાના સ્લોટમાં વધારો જોવા મળ્યો હતો. સોમનાથ મંદિર ખાતે ભાવિકોની ભીડને ધ્યાને લઈ દર્શનમાં કોઈ અગવડતા ના પડે તે માટે વધારે સિક્યુરિટી સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે. સોમેશ્વર પૂજાના સ્લોટ વધારી દેવાયા છે અને લાઈટ એન્ડ સાઉન્ડ શોની સંખ્યા પણ વધારી દેવાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: