ગીર સોમનાથમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સરકારી અને ગૌચર જમીન પર થયેલા દબાણના મામલે આ બેઠકમાં વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે દબાણ કરી જમીન પચાવી પાડવા મુદ્દે કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં જિલ્લામાં સરકારી જમીન પર દબાણના કૂલ 11 કેસ સામે આવ્યા છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા 11 સુઓમોટો અરજીઓ રજૂ કરવામાં આવી હતી.

લેન્ડ ગ્રેબિંગ સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં

આ બેઠકમાં એવી વિગતો પણ રજૂ કરવામાં આવી હતી કે, લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી બાદ 11 દબાણકારોમાંથી આઠ જણાએ સ્વૈચ્છિક દબાણ ખુલ્લુ કર્યું હતું. કૂલ 1.37 ચો.મી સરકારી ગૌચરની જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. દબાણ મુક્ત કરાયેલી જમીનની અંદાજિત કિંમત 9 કરોડ રૂપિયા જેટલી થાય છે. દબાણ નહીં ખસેડનાર ત્રણ દબાણકારો સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય કરાયો છે. કલેક્ટરે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, સરકારી જમીન પર દબાણ ચલાવી લેવાશે નહીં. ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. લેન્ડ ગ્રેબિંગ સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં છે.