આ શોર્ય યાત્રામાં પારંપરિક વેશભૂષામાં ગુજરાત પોલીસ અશ્વદળના 108 ઘોડે સવારો ભાગ લેશે. શક્તિના પ્રતીક સમાન અશ્વ અને સોમનાથનું સ્વાભિમાન એક કેડીએ બલિદાન અને શૌર્યતાના ઇતિહાસને પુનર્જીવિત કરશે. આ શોર્ય યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત પોલીસ અશ્વદળના 15 જિલ્લાના અશ્વ અને અસવાર સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે.
ઇતિહાસને આજની પેઢી સુધી જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ
ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં પાછલા ત્રણ દિવસથી સોમનાથ ખાતે આ અશ્વસવારો રિહર્સલ કરી રહ્યા છે. આજે સોમનાથ ખાતે યોજાયેલા રિહર્સલમાં અશ્વસાવરોના ' જય સોમનાથ - હર હર મહાદેવ' ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિર ભારતના આત્મસન્માન, સહનશીલતા અને પુનર્નિર્માણની અનોખી ગાથા રજૂ કરે છે. વારંવાર આક્રમણો છતાં સોમનાથ ફરી ફરી બેઠું થયું—આજ સુધી અડીખમ ઊભેલુ આ તીર્થ રાષ્ટ્રના અડગ સ્વાભિમાનનું પ્રતિક બની ગયુ છે. “સોમનાથ સ્વાભિમાન પર્વ” આ જ ઇતિહાસને આજની પેઢી સુધી જીવંત રીતે પહોંચાડવાનો પ્રયાસ છે.
