ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય નજીક હોટલો, રિસોર્ટસ અને હોમસ્ટે જેવી હોસ્પિટાલિટી ઝડપભેર વધી રહી છે.


જંગલમાં આવેલા રિસોર્ટ - ફાર્મ હાઉસોમાં વારે-તહેવારે થતી પાર્ટીઓના કારણે સહન ન થઈ શકે તેવું ધ્વનિ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. જેના કારણે જંગલમાં વસતા વન્યજીવોની હાલત કફોડી થઈ રહી છે. આ બાબતે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યપ્રાણી અભયારણ્ય તેમજ ઇકો-સેન્સિટીવ ઝોન/બફ્રઝોનને તાત્કાલિક અસરથી સાયલન્સ ઝોન જાહેર કરવા રજૂઆત થઈ છે. ઉચ્ચ ન્યાયાલયમાં એશિયાઈ સિંહોના અપમૃત્યુ બાબત સુઓ મોટો રીટ પિટિશન ચાલી રહી છે. આ રીટ પિટીશન અન્વયે ગીર આરક્ષિત વિસ્તાર ફરતે ચાલી રહેલી હોસ્પિટાલિટીની કાયદેસરતાની તપાસ પણ થઈ રહી છે. આમાંની ઘણી હોટલો, રિસોર્ટસ અને ફાર્મ હાઉસીઝમાં ચાલી રહેલ હોમસ્ટે જેવી હોસ્પિટાલિટીઝ પાર્ટી ડેસ્ટિનેશન્સ બની રહી છે. પ્રી-વેડિંગ, વેડિંગ, જન્મદિવસ, હોળી, જન્માષ્ટમી, દિવાળી અને નાતાલ વિગેરે પ્રસંગો/તહેવારો દરમિયાન સતત ચાલી રહેલી પાર્ટીઓમાં ફટાકડાં અને ડીજેના અસહ્ય અવાજ અને ગૂંગળાવી નાખે તેવા ધુમાડાથી વન વિસ્તારમાં સખત ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાઈ રહેલ છે. ગીર જેવા સ્થળમાં ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવું જોઈએ, પરંતુ ઇકો-ટુરિઝમના સ્થાને થઈ રહેલી આવી બધી પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી રોકવાની જરૂર છે. તેમજ એશિયાઈ સિંહો તથા અન્ય વન્યસૃષ્ટિના લાંબા ગાળાના હિતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્ય તથા વન્યપ્રાણી અભયારણ્ય અને તેમના ઇકો-સેન્સિટીવ ઝોન/બફ્રઝોનને તાત્કાલિક અસરથી સાયલન્સ ઝોન જાહેર કરવા રજૂઆત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: